Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખરાબ હવામાન અને ઓછું ફયૂલ છતાં પાયલટે બચાવ્યો ૩૭૦ યાત્રીઓનો જીવ

એરઇન્ડિયાની એક ઇન્ટરનેશનલ ફલાઇટના પાઇલટ માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ કોઇપણ ખરાબ સપનાથી ઓછો ન હતો

નવી દિલ્હી તા. ૧૮ : એરઇન્ડિયાની એક ઇન્ટરનેશનલ ફલાઇટના પાઇલટ માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ કોઇપણ ખરાબ સપનાથી ઓછો ન હતો. ઉડાન દરમિયાન વિમાનમાં ઇલેકિટ્રક ખરાબી આવી ગઇ હતી. આ ઉપરાંત હવામાન પણ ખરાબ હતુ અને ફયુલ પણ ઓછું થઇ ગયું હતું. જો કે આવી કપરી પરિસ્થિતિમાં પણ પાયલટે પોતાની સમજણથી ૩૭૦ યાત્રીઓનો જીવ બચાવી લીધો છે.

નવી દિલ્હીથી ન્યૂયોર્કના જોન એફ કેનડી હવાઇ મથક વચ્ચે ઉડતું આ વિમાન એરઇન્ડિયાના દુનિયાના સૌથી લાંબા ડાયરેકટ વિમાનોમાંથી એક છે. આ વિમાનમાં પહેલાના ૧૫ કલાક કોઇપણ મુશ્કેલી વગર ગયા પરંતુ તે પછી ૩૮ મિનિટ પાયલટ માટે ઘણાં પડકાર ભર્યા રહ્યાં.

આ દરમિયાન વિમાનના મુખ્ય ચાલક કેપ્ટન રૂસ્તમ પાલિયા સતત ન્યૂયોર્ક એટીસીને કહી રહ્યાં હતાં કે, 'ઓટો લેન્ડ નથી થઇ રહ્યું. ઘણાં ઇન્સ્ટ્રુમેન્ટ ફેલ થઇ ગયા છે.' આ કપરી પરિસ્થિતિમાં તે ઘણાં જ શાંત રહ્યાં હતાં. થોડીવાર પછી તેમણે કહ્યું કે, 'અમે ફસાઇ ગયા છે અને ફયુલ પણ નથી.'

આ દરમિયાન હવામાન પણ સતત ખરાબ થઇ રહ્યું હતું. બીજી બાજુ વિમાનની સુરક્ષિત લેન્ડિંગ પણ એક મોટી સમસ્યા હતી.

પરેશાની અહીંયા જ પુરી નથી થતી. દુનિયાના સૌથી એડવાન્સ વિમાનોમાંથી એક બોઇંગ ૭૭૭-૩૦૦ના ત્રણેવ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ ફેઇલ થઇ ગયા હતાં. જે પછી કમાન્ડર પાસે એક જ રસ્તો બચતો હતો કે તે રેડિયો અલ્ટિમીટર અને ટ્રાફિક કોલેજિનનો ઉપયોગ કરે અને આ દરમિયાન સિસ્ટમ ફેલીયરથી બચેલા રહે.

આ દરમિયાન પાયલટે એટીસીને જણાવ્યું કે અન્ય મહત્વપૂર્ણ ઉપકરણો કામ કરી ન રહ્યાં હતાં જેથી વિમાનને મેન્યુઅલી લેન્ડ કરાવવું પડ્યું. ખરાબ હવામાનના કારણે પાયલટ માટે આ લગભગ અશકય જેવું હતું કે તે જોન એફ કેનેડી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવી શકે. એટલે તેમણે નેવાર્કમાં પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું. લો ફયુલને કારણે પાયલટ હવામાન સારૃં થાય તેની રાહ ન હતાં જોઇ શકતાં.

જે પછી પાયલટે ઇન્સટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ વગર જ વિમાનના વર્ટિકલ અને લેટરલ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરતા વિમાનની સુરક્ષિત લેન્ડિંગ કરાવી. એનડીટીવીની ખબર પ્રમાણે આ પ્રકારની લેન્ડિંગ અંગે ન તો બોઇંગની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે ન તો એરઈન્ડિયા તેની ટ્રેનિંગ આપે છે.

(2:24 pm IST)