Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વરસગાંઠ પર વારાણસી પહોંચ્‍યા નરેન્‍દ્ર મોદીઃ બાળકો સાથે સંવાદમાં કહયું, ખેલોગે તો ખિલોગે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેમની ૬૮મી વરસગાંઠ નિમિતે ગઇકાલે તેમના મતદારસંઘ વારાણસીની ૧૯ કલાકની મુલાકાતે પહોંચ્‍યા હતા. તેમણે એરપોર્ટથી નરુર ગામમાં આવેલી પ્રાઇમરી સ્‍કૂલનાં બાળકો સાથે સંવાદ સાધ્‍યો હતો અને બાળકોને જીવનમાં રમત-ગમતનું મહત્‍વ સમજાવ્‍યું હતું. બાળકોને તેમણે કહયું હતું કે જીવનમાં સવાલ પુછવાનું રાખો, એનાથી ગભરાશો નહીં. શીખવા માટે સવાલ પુછવા એ સોૈથી ઉત્તમ રસ્‍તો છે. આ કાર્યક્રમ બાદ એક બાળકીએ કહયું હતું કે, ‘મોદીકાકાને કહા કી ખેલોગે તો ખિલોગે.'

ગઇકાલે વારાણસીમાં ૬૮ સ્‍થળે એક-એક કિલોગ્રામની એક એવી ૬૮ કેક કાપવામાં આવી હતી. આ સિવાય ૭૨ સ્‍થળે મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

રાતે તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પુજા કરી હતી. વડા પ્રધાન આજે બનારસ હિન્‍દુ યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા એમ્‍ફી થિયેટર ગ્રાઉન્‍ડમાં આશરે ૫૫૭ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું શિલારોપણ કરશે. આ સમયે આશરે ૬૦,૦૦૦ લોકો ઉપસ્‍થિત રહેશે.

(10:06 am IST)