Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મહારાષ્ટ્ર, છતિસગઢ અને મધ્યપ્રદેશ સહિતના ભાગોમાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

દક્ષિણ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડમાં પણ વરસાદ- તોફાનની ચેતવણી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લોકો આકરા તાપથી પરેશાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ૧૮ થી ૨૧ ઓગષ્ટ વચ્ચે વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વિદર્ભ અને મહારાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી છે. આ સાથે આગામી કેટલાક દિવસોમાં દક્ષિણ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તટીય આંધ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છતિસગઢ સહિત મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ્સના પગલે ભોપાલ સહિત જબલપુર, હોશંગાબાદ, ઇન્દોર જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.  આવતીકાલ ગુરૂવાર પછી, ઇન્દોર સહિત રાજ્યભરમાં ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનશે અને વરસાદ પડશે. આ સિવાય બિહાર અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ભારે વરસાદને કારણે ડુંગરાળ વિસ્તારોમાં નદીઓ છલકાઇ રહી છે. હિમાચલ -દેશમાં ૨૩ ઓગસ્ટ સુધી ખરાબ હવામાનની આગાહી છે. હવામાન કેન્દ્ર શિમલાએ બે દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ૧૯ ઓગસ્ટ માટે મેદાનો અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં વરસાદ-તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે.

(2:57 pm IST)