Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જીવનના ખેલમાં તમે સંકટોને હરાવ્યાઃ તમે ચેમ્પીયન છોઃ નરેન્દ્રભાઈ

ટોકયોમાં પેરાલિમ્પીક ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય દિવ્યાંગ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા પીએમ

નવી દિલ્હી, તા. ૧૮ :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટોકયોમાં આયોજિત થનારી પેરાલિમ્પિક ગેમ્સ એટલે કે દિવ્યાંગજનોની ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ, તેમના પરિવારજનો અને તેમના કોચ સાથે આજે વિડિયો- કોન્ફરન્સીંગના માધ્યથી સંવાદ કર્યો હતો. ટોકયોમાં ર૪ ઓગસ્ટથી યોજાનારા આ રમતોત્સવમાં ભાગ લેવા ભારતનું પ૪ સભ્યોનું દળ ત્યાં પહોંચ્યું છે.

પ્રસ્તુત છે વડાપ્રધાનના સંવાદના મુખ્ય અંશ..

તમારી સાથે વાત કરીને મારો વિશ્વાસ વધી ગયો છે કે આ વખતે પેરાલિમ્પિક ગેમ્સમાં પણ ભારત નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે.

હું જોઇ રહ્યો છું કે તારું આત્મબળ, કંઇક કરી દેખાડવાની તમારી ઇચ્છાશકિત અસીમ છે., તમે કહી રહ્યા હતા કે કોરોના મહામારીએ પણ તમારી મુશ્કેલીઓમાં વધારો કર્યો પણ તમે પોતાનું મનોબળ ઓછું ન થવા દીધું અને પ્રેકિટસને રોકવા ન દીધી.

તમે આ મુકામ સુધી પહોંચ્યા છો કારણ કે તમે અસલી ચેમ્પિયન છો. જીવનના ખેલમાં તમે સંકટોને હરાવ્યા છે. જીવનના ખેલમાં તમે જીતી ચૂકયા છો, ચેમ્પિયન છો.

હું વારંવાર કહું છુ કે નવા વિચારનું ભારત આજે પોતાના ખેલાડીઓ પર મેડલ માટે દબાણ નથી લાવતુ. તમારે બસ તમારી શત પ્રતિશત કોશિષ કરવાની છે. સામે કેવો મજબૂત ખેલાડી છે એની ચિંતા કર્યા વગર કોઈ પણ માનસિક ભાર વગર વિશ્વાસપૂર્વક મેદાનમાં ઉતરવાનુ છે.

હું જ્યારે નવો નવો વડાપ્રધાન બન્યો ત્યારે દુનિયાના લોકો સાથે મળતો હતો. એ લોકોની તો ઉંચાઈ પણ આપણાથી વધુ હોય છે અને એ દેશોનો રૂતબો પણ મોટો હોય છે. મારૂ પણ બેકગ્રાઉન્ડ તમારા જેવું જ હતું અને દેશમાં પણ લોકો શંકા કરતા હતા કે આ મોદીજીને દુનિયાની તો કંઈ ખબર નથી અને તેઓ વડાપ્રધાન બની ગયા છે, તેઓ કરશે શું ? જો કે હું જ્યારે વિશ્વના નેતાઓ સાથે હાથ મિલાવતો ત્યારે કયારેય એવું નહોતો વિચારતો કે નરેન્દ્ર મોદી હાથ મિલાવી રહ્યા છે, હું એવું જ વિચારતો હતો કે ૧૦૦ કરોડથી વધુ વસ્તીવાળો દેશ હાથ મિલાવી રહ્યો છે. મારી પાછળ ૧૦૦ કરોડથી વધુ દેશવાસીઓ ઊભા છે. આ ભાવને કારણે મારો કોન્ફીડન્સ કયારેય ડગતો નહોતો.

એક ખેલાડી તરીકે તમે સારી રીતે જાણો છો કે જેટલી શારીરિક શકિતની જરૂર હોય છે. એટલી જ મહત્વની માનસિક શકિત હોય છે. તમે લોકો તો વિશેષ રૂપે એવી પરિસ્થિતિઓમાંથી નીકળીને આગળ આવ્યા છો જ્યાં માનસિક શકિતને કારણે જ બધુ શકય બન્યુ છે.

(2:53 pm IST)