Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

દૂરદર્શનની જાણીતી ન્યુઝ એન્કર નીલમ શર્માનું નિધન : રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર નીલમે નોઈડાની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી : દૂરદર્શન અને DD News ચેનલના દર્શકો માટે એક સમાચાર દુ:ખદ છે. છેલ્લા ૨૦ વર્ષોથી  ન્યૂઝ એન્કર તરીકે  ફરજ બજાવતા નીલમ શર્માનું આજે અવસાન થયું છે. આ સમાચાર ડીડી ન્યૂઝ ચેનલે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા છે.

  નીલમ શર્માએ ૧૯૯૫થી લઈને ૨૦ વર્ષ સુધી સતત ડીડી ન્યૂઝ સાથે કામ કર્યું હતું અને એક એન્કરનાં રૂપમાં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી. પોતાની બોલવાની આગવી છટા અને શબ્દશુધ્ધિની પણ સચોટતાને પરિણામે સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોમાં પણ તેને હોસ્ટિંગ માટે બોલાવવામાં આવતા.

  ડીડી ન્યૂઝ પર આવતા શો ‘તેજસ્વિની’ અને ‘બડી ચર્ચા’થી તેમને ઘણી પ્રસિધ્ધી મળી હતી. ૨૦૧૨માં તેમણે ‘મહારાષ્ટ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી – સ્કૂલ ઓફ ગવર્મેન્ટ’ પુણે દ્વારા આયોજીત ‘ભારતીય છાત્ર સાંસદ’નું હોસ્ટિંગ પણ કર્યું હતું.

  નીલમ શર્માને હજુ માર્ચ મહિનામાં જ ૨૦૧૮નું નારી શક્તિ સમ્માન રાષ્ટ્રપતિશ્રીના હસ્તે મળ્યું હતું. લોકમતથી મળેલી માહિતી પ્રમાણે તે કેન્સરથી સફર કરી રહ્યા હતા.

‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસરે માર્ચ, ૨૦૧૯ના રોજ ૨૦૧૮ના વર્ષનો નારી શક્તિ સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. એના એન્કર તરીકે નીલમ શર્મા હતાં, તેમણે ખુદે જ બીજાં નામોની જાહેરાત કરતા, પોતાના નામની પણ જાહેરાત કરી હતી.

કેન્સરથી પીડિત હતાં અને નોએડાની એક ખાનગી હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. શનિવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. નિગમબોધ ઘાટ ખાતે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

(12:00 am IST)