Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પાકિસ્તાનના 'સુલ્તાન' બન્યા ઇમરાન ખાન : PM તરીકે શપથ

પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન બન્યા : રાષ્ટ્રપતિ મમનુન હુસૈને લેવડાવ્યા શપથઃ સિધ્ધુ, વસીમ અકરમ, મિંયાદાદ, ઇમરાનની બેગમ બુશરા ખાન સહિતની હસ્તીઓ હાજર રહી : પાક.માં જશ્નનો માહોલ

ઈસ્લામાબાદ, તા. ૧૮ : તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાન પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. અહીં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો. રાષ્ટ્રપતિ મમનુનહુસેને તેમને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા. સમારોહની શરૂઆત રાષ્ટ્રગીતથી શરૂ થઈ. તે પછી પવિત્ર કુરાનના પાઠ થયા હતા અને શપથગ્રહણવિધિ યોજાય.

ઇમરાન ખાનની બેગમ બુશરા ખાન પણ હાજર રહ્યા હતા. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધુ ઈમરાન ખાનની શપથવિધિમાં સામેલ થયા. તેમને ઈમરાન ખાને આમંત્રણ પાઠવ્યુ હતું ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમ અને અભિનેતા જાવેદ શેખ સહિતની હસ્તીઓ પણ ઇમરાનના શપથ સમારોહમાં સામેલ થયા.

ઇમરાને ભલે વિદેશમાં ભણ્યા હોય અને ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમની છબિ પ્લેબોયની હોય પરંતુ રાજનીતિમાં તેઓ કટ્ટર છબિના સમર્થન મનાય છે. ઇમરાનના પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ભારતની સાથે સંબંધ અને પાકિસ્તાનના પડકારોથી નિટપવા પર વિશ્વભરની નજર રહેશે.

ગઈકાલે સંસદના નીચલા ગૃહ સંસદ એસેમ્બલીમાં પીટીઆઈના પ્રમુખ ઈમરાન ખાન દેશના નવા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે પીએમએલએનના શાહબાઝ શરીફને હરાવ્યા હતા. ૬૫ વર્ષના ઈમરાન ખાનને ૧૭૬ મતો શાહબાઝ શરીફને ૯૬ મત મળ્યા હતા. પીપીપી કે જેની પાસે ૫૪ બેઠકો છે તેણે મતદાનમા ભાગ લીધો નહોતો. બહુમતી માટે ૧૭૩ બેઠકોની જરૂર હતી અને ઈમરાન ૩ બેઠકો વધુ મેળવી હતી.

ઈમરાન ખાને ૨૨ વર્ષના સંઘર્ષ બાદ વડાપ્રધાન પદ મેળવ્યુ છે. ૨૫ જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં તેમના પક્ષે ૧૧૬ બેઠકો મેળવી હતી. ૩૩ બેઠકો આરક્ષિત હતી તે બધી મળતા કુલ ૧૫૨ બેઠકો સુધી આંકડો પહોંચ્યો હતો. બહુમતી માટે તેમના પક્ષે નાના નાના પક્ષો સાથે ગઠબંધન કર્યુ હતું.(૨૧.૨૪)

(2:44 pm IST)