Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

બેઝોસ સાથે સ્પેસ સફર માટે ૨૦૫ કરોડ આપનારો બિઝનેસમેન હવે યાત્રા નહીં કરે

અંતરિક્ષમાં જવાની તક એક ૧૮-૧૯ વર્ષના વિદ્યાર્થીને મળી : બેઝોસ ૨૦મી જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરશે

વૉશિંગ્ટન :જેફ બેઝોસ સાથે અંતરિક્ષમાં જવા માટે ૨૦૫ કરોડની બોલી લગાવીને ટિકિટ ખરીદનારો બિઝનેસમેન હવે અંતરિક્ષ યાત્રા કરશે નહીં. તેના બદલે બેઝોસ સાથે અંતરિક્ષમાં જવાની તક એક ૧૮-૧૯ વર્ષના વિદ્યાર્થીને મળી છે. બેઝોસ ૨૦મી જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરશે.

બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટમાં સવાર થઈને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૨૦મી જુલાઈએ સ્પેસ સફર કરશે. બેઝોસ સહિત કુલ ચાર લોકો આ અંતરિક્ષ યાત્રા કરશે. એમાં જેફ બેઝોસનો ભાઈ માર્ક બેઝોસ, એક મહિલા પાયલટ વેલી અને ચોથા વ્યક્તિ માટે ઓનલાઈન ઓક્શન થયું હતું.
જે સૌથી વધુ બોલી લગાવે તેને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. તેના ભાગરૃપે એક બિઝનેસમેને ૨૦૫ કરોડ રૃપિયાની બોલી લગાવી હતી. એ બિઝનેસમેન અંગે જોકે બ્લૂ ઓરિજિને વધુ માહિતી આપી ન હતી, પરંતુ હવે એવી સ્પષ્ટતા થઈ હતી કે બેઝોસ સાથે એ માણસ અંતરિક્ષમાં જશે નહીં. અંતરિક્ષના ફ્લાઈટની તારીખ તેને અનુકૂળ ન હોવાથી તેણે પ્રવાસ કરવાનું ટાળ્યું છે એવું કહેવાય છે. તેના બદલે ઓલિવર ડેમેન નામનો એક ૧૮-૧૯ વર્ષનો ફિઝિક્સનો સ્ટૂડન્ટ બેઝોસ સાથે અંતરિક્ષ યાત્રા કરશે.
બ્લૂ ઓરિજિનના કહેવા પ્રમાણે ઓલિવરના પિતા એક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મમાં પ્રમુખ છે. અંતરિક્ષમાં જવાની તક ઓલિવરને મળતા એ રકમ ખર્ચીને અંતરિક્ષ યાત્રા કરનારો દુનિયાનો પ્રથમ પ્રવાસી બની જશે.
બ્લૂ ઓરિજિને એક સપ્તાહ પહેલાં જ ઓલિવરને સ્પેસ સફર અંગે જાણકારી આપી હતી. જોકે, ઓલિવર નામના આ વિદ્યાર્થીએ અંતરિક્ષમાં જવા માટે કોઈ રકમ આપી છે કે નહીં તે બાબતે સ્પષ્ટતા થઈ નથી. તેના પિતાએ ટિકિટ માટે ફંડ આપ્યું હોવાનું કહેવાય છે.

(12:31 am IST)