Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમેરિકાના યુધ્ધાભ્યાસ સામે ચીનના લડાકુ વિમાનો તૈનાત

સાઉથ ચાઈના સીમાં લડાકૂ વિમાનો ગોઠવાયા : વૂડી ટાપુ ઉપર ચીને સૈનિકી ગતિવિધિઓ શરૂ કરી દીધી

નવી દિલ્હી, તા. ૧૮ : સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે. અમેરિકા વિસ્તારમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજો સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યું છે. જેના પગલે ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનું સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ચીને સાઉથ ચાઈના સીમાં એક ટાપુ પર ચાર જે-૧૧બી પ્રકારના અને બાકીના બોમ્બર વિમાનો તૈનાત કર્યાં છે. લડાકુ વિમાનો અમેરિકાના યુધ્ધ જહાજોને જરુર પડે તો નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. જ્યાં વિમાનો તૈનાત કરાયા છે તે વૂડી ટાપુ પર પહેલી વખત આટલા મોટા પાયે ચીને લશ્કરી ગતિવિધિઓ શરુ કરી છે.

            અમેરિકાએ યુધ્ધાભ્યાસનો બીજો તબક્કો પણ શરુ કરી દીધો છે. અગાઉ પહેલા તબક્કામાં થી ૧૦ જુલાઈ દરમિયાન અમેરિકાના યુધ્ધ જહાજોએ સાઉથ ચાઈના સીમાં યુધ્ધાભ્યાસ કર્યો હતો. જાણકારોનું માનવું છે કે, અમેરિકાના ડરને આગળ ધરીને હવે ચીને સાઉથ ચાઈના સીનું ઝડપથી સૈન્યીકરણ કરવામ માંડ્યું છે. ટાપુ પર ચીનને ફાઈટર વિમાનો તૈનાત કરવાનુ બહાનુ મળી ગયું છે. ચીનના પગલાંથી મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા પાડોશી દેશો દહેશતમાં આવી ગયા છે.

            સાઉથ ચાઈના સીના પેટાળમાં ખનીજો અને તેલના ભંડારો હોવાનુ મનાય છે. જેના કારણે વિસ્તાર પર ચીન પોતાનો દાવો ઠોકી રહ્યુ છે.જોકે તેની સામે ચીનના પાડોશી દેશો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને અમેરિકાનો સાથ મળી રહ્યો છે.

(8:01 pm IST)