Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

પતંજલિને મોટો ફટકોઃ મદ્રાસ હાઈકોર્ટે કોરોનિલના ટ્રેડમાર્ક પર ફરમાવ્યો પ્રતિબંધ

કંપની ઈમ્યૂનિટી બુસ્ટરના રૂપમાં આ દવાને વેચી શકે છેઃ કોવિડ-૧૯ની સારવાર માટે નહીં

ચેન્નઈ, તા.૧૮: યોગ ગુરૂ સ્વામી રામદેવ સાથે જોડાયેલી કંપની પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પતંજલિની દવા કોરોનિલના ટ્રેડમાર્ક પર પ્રતિબંધ લગાવી દીધો છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ કોવિડની દવા છે. તેને થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવી હતી.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સી વી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડની અરજી પર ૩૦ જુલાઈ સુધી આ વચગાળાનો આદેશ જારી કર્યો છે. અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડનું કહેવું છે કે કોરોનિલ ૧૯૯૩થી તેનો ટ્રેડમાર્ક છે. જેથી તેનું નામ કોઈ કંપની ન રાખી શકે. અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડ કેમિકલ્સ અને સેનેટાઇઝર બનાવે છે, જેનો ઉપયોગ હેવી મશીનરી અને કન્ટેઈનમેન્ટ યૂનિટમાં કરવામાં આવે છે. કંપની અનુસાર તેણે ૧૯૯૩માં કોરોનિલ-૨૧૩ એસપીએલ અને કોરોનિલ-૯૨બીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કંપનીનો દાવો છે કે સતત આ ટ્રેડમાર્કને રિન્યૂ કરતી રહી છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે, હાલ આ ટ્રેડમાર્ક પર ૨૦૨૭ સુધી અમારો અધિકાર કાયદેસર છે. કંપનીએ આ ટ્રેડમાર્કને વૈશ્વિક સ્તરનો ગણાવ્યો છે. કંપનીએ તે પણ કહ્યું છે કે, તેની ગ્રાહક ભેલ અને ઈન્ડિયન ઓયલ જેવી કંપનીઓ છે. પોતાના દાવાને સાબિત કરવા માટે અરજીકર્તાએ કોર્ટમાં પાંચ વર્ષનું બિલ પણ રજૂ કર્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, કંપનીએ કોર્ટમાં કહ્યું કે, પતંજલિ તરફથી વેંચવામાં આવતી દવાનો માર્ક તેની કંપની જેવો છે. વેચવામાં આવતી વસ્તુ ભલે અલગ હોય પરંતુ ટ્રેડમાર્ક એક જેવો છે.

મહત્વનું છે કે પતંજલિ તરફથી કોરોનિલ રજૂ કર્યા બાદ આયુષ મંત્રાલયે એક જુલાઈએ કહ્યું હતું કે, કંપની ઈમ્યૂનિટી બુસ્ટરના રૂપમાં આ દવાને વેચી શકે છે, કોવિડ-૧૯ની સારવાર માટે નહીં.

(3:19 pm IST)