Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઉત્તર- પૂર્વ ભારતમાં ભારે વરસાદના સંકેત

કેરળ અને કર્ણાટકમાં આગામી દિવસોમાં પણ વરસાદી કહેર જારી રહેશે : પૂર્વ- પશ્ચિમ યુ.પી., હરિયાણા, પંજાબ, બિહાર, હિમાલય, પ.બંગાળ, સિકિકમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં બેફામ ખાબકશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા ઉત્તર ભારત અને પૂર્વ ભારતના રાજયોમાં બેફામ વરસાદના સંકેત આપ્યા છે. જયારે કેરળ અને કર્ણાટકમાં વરસાદી કહેર જારી રહેશે. નોંધનિય છે કે ગઈકાલે આસામમાં મુશળધાર વરસાદથી ૧૭ લોકોના મોત નિપજયા છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. જયારે આગામી દિવસોમાં પૂર્વ- પશ્ચિમ યુ.પી., હરિયાણા, પંજાબ, બિહાર, હિમાલય, પશ્ચિમ બંગાળ સિકિકમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશભરમાં ૧ જુન થી ૧૮ જુલાઈ સુધી સામાન્યથી ૧૦ ટકા વધુ વરસાદ થયો છે. પરંતુ ઉત્તર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ૧૬ટકા ઓછો, મધ્ય ભારતમાં ૧૬ ટકા વધુ, પૂર્વોતર ભારતમાં ૧૩ ટકા વધુ અને દક્ષિણ ભારતમાં સામાન્યથી ૧૬ટકા વધુ વરસાદ નોંધાયો છે.

પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી એનસીઆરમાં પણ આજે હળવા વરસાદની શકયતા છે. રાજસ્થાનમાં પૂર્વ ભાગોમાં હળવાથી મધ્યમ, પશ્ચિમ ભાગોમાં હળવો, જમ્મુ- કાશ્મીરમાં અમુક જગ્યાએ વરસાદ પડશે. જયારે લદાખમાં વાતાવરણ સુકુ રહેશે.

ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં આવતીકાલે અને ૨૦મીના ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ યુ.પી., હરિયાણા, પંજાબમાં મુશળધાર ખાબકશે. ચોમાસાના આગમન બાદ પ્રથમ વખત એવું બનશે કે આ વિસ્તારોમાં ચોમાસુ સક્રિય રહેશે.

દેશના અન્ય ભાગોમાં આજે અને આગામી દિવસોમાં દેશના મધ્ય ભાગોમાં ઓરીસ્સાથી એમ.પી. સુધીમ વરસાદ જારી રહેશે. વિદર્ભ અને મરાઠવાડાના ઉતર ભાગોમાં અને મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના બે- ત્રણ દિવસ છે. મુંબઈથી કર્ણાટક- કેરળ સુધી અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે મુંબઈમાં હવે એકાદ ઈંચ આસપાસ વરસી જાય.

જયારે દક્ષિણ ભારતના કર્ણાટકના અંદરૂની વિસ્તારો, આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં હળવાથી મધ્યમ, તેલંગાણામાં પણ અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે. કર્ણાટક અને કેરળમાં આગામી દિવસોમાં વ્યાપક વરસાદ પડી શકે છે.

પૂર્વોતર ભારતના પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાલય, પશ્ચિમ બંગાળ, સિકિકમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદના સંકેત છે. આસામમાં ભારે વરસાદના પગલે પુરની સ્થિતિ બની છે અને ૧૭ લોકોના મોત નિપજયા છે. અરૂણાચલપ્રદેશમાં પણ ખૂબ જ નુકસાન થયું છે.

(11:42 am IST)