Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

૯૦'મીન્ક'ને કોરોના વળગતા ૧ લાખને મારી નખાશે

પ્રાણીઓ વચ્ચે કોમ્યુનીટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે! કોરોના પ્રાણીઓમાંથી માનવમાં ફેલાયો કે માનવથી પ્રાણીઓમાં : તે નકકી નથીઃ સ્ટાફના ૭ને કોરોના

મેડ્રીડ,તા.૧૮:કોરોના વાયરસ મહામારી ફાટી નીકળવાના ભયથી સ્પેને આશરે ૧ લાખ મિંક પ્રાણીને મારી નાખવા જઈ રહ્યું છે. સ્પેને એક ફાર્મમાં લગભગ ૯૦ પશુઓને કોરોનાથી ચેપ લાગ્યાં બાદ સ્પેને આ નિર્ણય લીધો હતો. સ્થાનિક વહીવટીતંત્રે શરૂઆતમાં પશુઓને એકાંતમાં રાખવા આદેશ આપ્યો હતો.

જો કે, પરીક્ષણના કેટલાક રાઉન્ડમાં, આશરે ૮૦ ટકા પ્રાણીઓના નમૂનાઓમાં કોરોના પોઝીટીવ જોવા મળ્યો હતો. આ પછી વહીવટીતંત્રે ફાર્મના પશુઓને મારવાનો નિર્ણય કર્યો. એરાગોન વિસ્તારના લા પુએબલા દ વાલવાર્દે ગામમાં ફાર્મમાં ૨૨   મે પછીથી જ આઈશોલેશનમાં રાખવામાં આવ્યા હતા. અહીંના સાત કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ હોવાનું જણાયું હતું. એરાગોન વહીવટીતંત્રે જણાવ્યું છે કે રાષ્ટ્રીય પશુ આરોગ્ય અધિનિયમ હેઠળ તેમને ૯૨,૭૦૦ મિંકને મારવા જેવી કડક કાર્યવાહી કરવી પડી રહી છે.

એરેગોનના કૃષિ અને પર્યાવરણ વિભાગના વડા જેકલીન ઓલોના એ જણાવ્યું હતું કે આ પ્રકારનો કોઈ પુરાવો નથી કે આ વાયરસ સ્ટાફથી લઈને પ્રાણીઓમાં ફેલાયો કે પ્રાણીઓથી કર્મચારીઓમાં ફેલાયો છે. ઓલોનાએ કહ્યું કે, અમને કોઈ શંકા નથી કે આ પ્રાણીઓમાં વાયરસ છે અને પ્રાણીઓ વચ્ચે કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે ૯૦,૦૦૦ થી વધુ પ્રાણીઓની હત્યા કરવાનો હેતુ એ જ છે કે લોકોના આરોગ્યને કોઈ જાતનો ભય ના ઊભો થાય. અત્યાર સુધીના અભ્યાસથી એ જાણવા મળ્યું છે કે, બિલાડી અને કૂતરા સહિત કેટલાક પ્રાણીઓમાં કોરોના સંક્રામક થઈ શકે છે.

જો કે, પ્રાણીઓમાંથી મનુષ્યમાં કોરોનાના સંક્રમણને લગતી કોઈ અંતિમ માહિતી મળી નથી. સંશોધનકારો હાલમાં આનો અભ્યાસ કરી રહ્યા છે.

નેધરલેન્ડે પણ હજારોની સંખ્યામાં આ જાનવરને માર્યા

મિંકના ફરનો ઉપયોગ કોટ બનાવવામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. નેધરલેન્ડ જે દુનિયામાં મિંકના ફરોનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જેણે ૬ જૂનથી લઈને અત્યાર સુધી હજારોની સંખ્યામાં આ જાનવરને માર્યા છે. કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અહીં ૨૪ મીંક ફાર્મમાં કોરોનાના સંક્રમણની ખાતરી થઈ છે. આમાં કામ કરતા ઘણા કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ હોવાનું જણાયું છે. અત્યાર સુધીમાં ૨૩ ફાર્મના તમામ પ્રાણીઓને મારવામાં આવ્યા છે. ડચ સરકારે મિંક ફાર્મ માટે હાઇજીન પ્રોટોકોલ કડક કર્યા છે. ટેસ્ટિંગ ફરજિયાત બનાવવાની સાથે સાથે તેમના ટ્રાન્સપોર્ટેશન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૨૦૨૪ સુધીમાં અહીં તમામ મિંક ફાર્મિંગ બંધ કરાવવાનું આયોજન છે.

(10:20 am IST)