Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

માયાવતીના ભાઇની ૪૦૦ કરોડની સંપતિ જપ્ત

આયકર ખાતાએ માયાવતીના ભાઇ આનંદકુમાર અને તેમની પત્નીને લીધા સાણસામાં : નોયડામાં બેનામી પ્લોટ જપ્ત

નવી દિલ્હીઃ આયકરવિભાગે બહુજન સમાજ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના ભાઇ અને પક્ષ ઉપાધ્યક્ષ આનંદકુમાર અને તેમની પત્ની વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી છે ઇન્કમટેક્ષ વિભાગે ૪૦૦ કરોડ રૂપિયાના એક બેનામી પ્લોટને જપ્ત કરવાના આવ્યો છે આ પ્લોટ દિલ્હીની નજીક નોએડામાં છે.

જોકે માયાવતીના ભાઇ આનંદકુમારની સંપતિની તપાસ ઇન્કમટેક્ષ વિભાગ કરી રહ્યું હતું. ઇન્કમટેક્ષ વિભાગે આ તપાસમાં માલૂમ પડ્યું કે આનંદકુમારની પાસે નોએડામાં ૨૮૩૨૮ સ્કેવર મીટરનો એક ગેરકાયદેસર પ્લોટ છે. સાત એકરમાં ફેલાયેલા આ પ્લોટની કિંમત અંદાજે ૪૦૦ કરોડ રૂપિયા છે.

આનંદકુમાર અને તેની પત્ની વિચિત્ર લતાના આ ગેરકાયદેસર પ્લોટને જપ્ત કરવાનો આદેશ ૧૬ જુલાઇએ વિભાગની દિલ્હીમાં આવેલ બેનામી નિષેધ  એકમ (બીપીયુ)એ જાહેર કર્યો હતો ત્યારબાદ આજે ૧૮ જુલાઇએ આયકર વિભાગે પ્લોટને જપ્ત કરી લેવામાં આવ્યો છે.

આયકર વિભાગના જણાવ્યા મુજબ માયાવતીના ભાઇ આનંદકુમારની ૧૩૦૦ કરોડ રૂપિયાની સંપતિની તપાસ ચાલુ રહી છે આયકર વિભાગે તેમની તપાસમાં આરોપ મુકયો કે આનંદકુમારની સંપતિમાં ૨૦૦૭ થી ૨૦૧૪ સુધી ૧૮ હજાર ટકાનો વધારો થયો છે. તેમની સંપતિ ૭.૧ કરોડ રૂપિયાથી વધીને ૧૩૦૦ કરોડ થઇ છે ૧૨ કંપનીઓ આયકર વિભાગના તપાસના દાયરામાં છે જેમાં આનંદકુમાર નિદેશક છે.

(3:09 pm IST)