Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

૧૭મી લોકસભાના પ્રથમ સત્રમાં સૌથી વધુ કામ થયુ

નવા ચૂંટાયેલા સાંસદોએ રાતના ૧ર સુધી કામ કર્યુઃ પ્રોડકટીવીટી આંક ૧ર૮%: સંસદના કામના કલાકોમાં ઉછાળોઃ ૧૬મી લોકસભાના પ્રથમ સત્રની પ્રોડકટીવીટી હતી ૬૬%

નવી દિલ્હી તા. ૧૮ :.. સત્તરમી લોકસભાના પ્રથમ સત્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કામ થયું છે. સંસદના નવા ચૂંટાયેલા સભ્યોએ રાતના બાર વાગ્યા સુધી કામ કર્યુ છે., આમ તેમણે ૧ર૮ ટકા ઉત્પાદકતા નોંધાવી છે. અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત લોકસભા આટલા કલાકો સુધી ચાલી છે.

નોન-પ્રોફિટ સંગઠન પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના આંકડા મુજબ ર૦૦૯ ના ૧પ મી લોકસભાના પ્રથમ સત્રમાં ર૮.૦પ જેટલા કામના કલાકો નોંધાયા હતાં. એટલે કે તેની ઉત્પાદકતા ૬૭ ટકા હતી. ૧૬ મી સભાના પ્રથમ સત્રમાં ર૩.૮૩ કલાકનું કામકાજ નોંધાયું હતું અને તેની ઉત્પાદકતા ૬૬ ટકા હતી. બજેટ સત્રમાં સામાન્ય રીતે સાંસદો વિવિધ મંત્રાલયોના અનુદાન અંગે કલાકો સુધી ચર્ચા કરતા હોય છે. પરંતુ અગાઉના બજેટ સત્રોની તુલનાએ ૧૭મી લોકસભાના સંાસદોએ સૌથી વધુ કામ કર્યુ છે. આમ સાંસદોએ ર૦૧પ માં લોકસભાએ ર૪૬.૦ર કલાક કામ કર્યુ અને ૧ર ટકા ઉત્પાદકતા નોંધાવી છે. ર૦૧૬ ના બજેટ સત્રએ ૧૯૮.ર કલાકનું કામકાજનું સત્ર નોંધાવ્યું હતું અને તેની ઉત્પાદકતા ૧ર૧ ટકા હતી. ઉત્પાદકતાની સીધી અસર સંસદના સપોર્ટ સ્ટાફ પર પડી હતી. લોકસભાના સાંસદો મંત્રાલયોની માંગ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતાં. સપોર્ટ સ્ટાફ કોરિડોર અને ગેલેરીઓમાં ફરતો જોવા મળ્યો હતો. અને સલામતી કર્મચારીઓની પણ પુરેપુરી હાજરી હતી. તેમના ભોજન અંગે ખાસ વ્યવસ્થા કરાઇ હતી, પરંતુ અધિકારીઓએ ઓવરટાઇમ વગર લાંબા કલાકો કામ કર્યું હતું. ગેલેરીમાં ફરતા અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાફ તરીકે અમને સંસદીય ભથ્થું મળે છે, પરંતુ પરિવહન કે બીજી કોઇ સગવડ મળતી નથી. અમે  અમારા વ્યકિતગત વાહન લઇ આવ્યા હતાં. સ્ટાફે દરરોજે સવારે સાડા આઠ વાગ્યે રીપોર્ટીંગ કરવાનું હોય છે અને રાત્રીના બાર વાગ્યા સુધી કામ કરવાનું હોય છે.

આમ દિવસના ૧પ થી ૧૬ કલાક કામ કરવાનું હોય છે. સાંસદ સાડા અગીયાર કે બાર વાગ્યે નીકળે તો સ્ટાફે ત્યાં સુધી ગેલેરીમાં રહેવાનું હોય છે. બીજા દિવસે ફરીથી સવારે સાડા આઠ વાગ્યે રીપોર્ટીંગ કરવાનું હોય છે. બીજા એક સીકયોરીટી કર્મચારીએ જણાવ્યું હતું કે, 'ઘણી વખત તો અમારે સાડા બાર વાગી જાય છે અને તેના આઠ કલાક પછી ફરીથી રીપોર્ટ કરવો પડે છે.' અધિકારીઓ દિવસનો એજન્ડા પહેલેથી જોઇ જાય છે જેથી ગૃહ કેટલો સમય ચાલવાનું છે તેની ખબર પડે. ઓળખ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે, 'આજે તમે એજન્ડા જોયો છે? લાગતું નથી કે લોકસભા રાત્રીના બાર પહેલા પૂરી થાય. આ દિવસ અનુદાનોની માંગ પર ચર્ચાનો અંતિમ દિવસ હતો.'

(11:32 am IST)