Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કોંગ્રેસને નવા અધ્યક્ષ મળતા નથીઃ રાહુલ નિકળ્યા વિદેશ પ્રવાસે

એક પણ નામને લઈને પક્ષમાં સહમતી નથી બનતીઃ કોને બનાવવા એ બાબતને લઈને જબરા મતમતાંતર

નવી દિલ્હી, તા. ૧૮ :. કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કોણ સંભાળશે ? તે બાબતને લઈને હજુ અવઢવની સ્થિતિ છે. લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ રાજીનામુ આપી દીધુ છે અને તેમણે સ્પષ્ટ કહી દીધુ છે કે પક્ષ વહેલી તકે કોઈ નવા અધ્યક્ષ શોધી લ્યે. તો બીજી તરફ પક્ષ આ મુદ્દાનું સમાધાન શોધવામાં અસમર્થ જણાઈ રહ્યો છે.

રાહુલ ગાંધી એક સપ્તાહમાં માટે વિદેશ જઈ રહ્યા છે. આ બાબતે પક્ષના સૂત્રોનું કહેવુ છે કે, નવા અધ્યક્ષ પસંદ કરવા માટે બીનસત્તાવાર રીતે નક્કી કરવામાં આવેલ ૨૦મી જુલાઈની ડેડલાઈનને પુરી નહિ કરી શકાય. પક્ષના એક વરિષ્ઠ નેતાના કહેવા મુજબ કોઈપણ નામને લઈને સહમતી થતી નથી. 

પક્ષના નેતાના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી ગાંધી પરિવારના કોઈ સભ્ય અધ્યક્ષ પદને ન સંભાળે તો કોઈ વરિષ્ઠ ખાસ કરીને દલિતના હાથમાં કોંગ્રેસનું સુકાન આપવાનું સૂચન હતું પરંતુ અનેક સમસ્યાઓને કારણે તે પુરૂ થયુ નથી. કેટલાકનું કહેવુ છે કે કોઈ યુવાને અધ્યક્ષ બનાવવા જોઈએ. પંજાબના મુખ્યમંત્રીએ તો જાહેરમાં કહ્યુ છે. પક્ષનું સુકાન સંભાળવા મોતીલાલ વોરાનું નામ સામે આવ્યુ પરંતુ વાત ન બની.

આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે પક્ષ સામે અનેક પડકારો છે. જેમાં રાજ્યના એકમોમાં જુથબંધી અને અસંતોેષ પણ સામેલ છે.

(10:11 am IST)