Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ત્રણ તલાક વિરૂદ્ધની લડાઈ લડતી

ઈશરત જહાંને હિન્દુ ધાર્મિક સમારોહમાં જવા બદલ મળી ધમકી

નવી દિલ્હી, તા. ૧૮ :. ત્રણ તલાક મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર ઈશરત જહાંને કેટલાક લોકોએ ધમકી આપી છે. તે પછી ઈશરત જહાંએ તેઓની સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે અને સુરક્ષાની માંગણી કરી છે. ઈશરત જહાંને આ ધમકી હિન્દુ ધાર્મિક સમારોહમાં સામેલ થવા માટે આપવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે કોલકતામાં રહેતી ઈશરત જહાંએ ત્રણ કલાક વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તે પછી તે કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગઈ હતી.

ઈશરત જહાં ગયા વર્ષે જ ભાજપમાં સામેલ થઈ હતી. પોતાની ફરીયાદમાં ઈશરતે જણાવ્યુ છે કે ગયા મંગળવારે તે હાવડા વિસ્તારમાં હનુમાન ચાલીસા પાઠમાં સામેલ થઈ હતી. આ કાર્યક્રમ ભાજપના સમર્થકો દ્વારા યોજવામાં આવ્યો હતો. ઈશરતે જણાવ્યુ છે કે બુધવારે તે પોતાના બાળકોને સ્કૂલે મુકીને પાછી ફરતી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા લોકોએ મને અટકાવી હતી અને પૂછવા લાગ્યા હતા કે હું હિન્દુ ધાર્મિક સમારોહમાં સામેલ કેમ થઈ ?

ઈશરત જહાંનું કહેવુ છે કે હું હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમમાં હીજાબ પહેરીને સામેલ થઈ હતી. જેના પર કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને મને એ વિસ્તારમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી. ઈશરતનું કહેવુ છે કે, ધમકી મળ્યા બાદથી હું ડરી ગઈ છું અને મને મારી અને મારા પરિવારની સુરક્ષાની ચિંતા છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

ઈશરત જહાંનુ કહેવુ છે કે ભારત એક સેકયુલર દેશ છે જ્યાં ગમે તેને કોઈપણ ધાર્મિક સમારોહમાં ભાગ લેવાની સ્વતંત્રતા છે.

(10:10 am IST)