Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

યુપી : જમીન વિવાદમાં ભારે રક્તપાત, ૧૦ના થયેલ મોત

સામસામે ગોળીબારથી ભારે સનસનાટી મચી : મૃતકોમાં ચાર મહિલાઓ અને છ પુરુષો સામેલ : જમીન વિવાદને લઇને બે પક્ષો આમને-સામને આવ્યા બાદ હિંસા

સોનભદ્ર, તા. ૧૭ : ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં જમીનને લઇને વિવાદ બાદ બુધવારના દિવસે બે પક્ષોમાં ખુની સંઘર્ષની સ્થિતિ જોવા મળી હતી. આ રક્તપાતમાં ૧૦ લોકોના મોત થઇ ગયા છે અને આશરે એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે.

જમીનના વિવાદમાં ગોળીઓ ચાલી હતી. ભારે રક્તપાતનો દોર રહ્યો હતો. ઉત્તરપ્રદેશના સોનગઢ જિલ્લામાં ઘોરાવલની ગ્રામસભા મૃતિયાના ગામ ઉંભામાં આ બનાવ બન્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ ૧૦૦ વીઘા જમીનને લઇને જુની અદાવત ચાલી રહી હતી જેને લીધે બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો.

આ મામલાની માહિતી રાખનાર લોકોએ કહ્યું છે કે, ગોળીબારની ઘટનામાં હજુ પણ અનેક લોકો ઘાયલ થયા છે તેમને સારવાર આપવામાં આવેલી છે. બે પક્ષો વચ્ચે ગોળીબારમાં મૃત્યુ પામેલાઓમાં ચાર મહિલાઓ અને છ પુરુષો સામેલ છે. ઘાયલોની સંખ્યા પણ ડઝનથી વધુ આંકવામાં આવી છે જેની સારવાર ચાલી રહી છે. એક અધિકારીએ કહ્યું છે કે,

આ ઘટના અંગે માહિતી મળ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ કર્યો છે કે, ઘાયલ થયેલા લોકોની સારવાર માટે સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે. પ્રધાને બે વર્ષ પહેલા જમીનની ખરીદી કરી હતી. બુધવારના દિવસે તેઓ પોતાના સાથીઓની સાથે જમીન પર કબજો મેળવવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આને લઇને વિવાદ થયા બાદ સામ સામે ગોળીબાર થયો હતો. બંને તરફથી ઘાતક હથિયારો સાથે હુમલા કરાયા હતા.

ગોળીબારમાં ૧૦ લોકોના મોત થયા છે. બેની ધરપકડ કરી લેવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગંભીરરીતે ઘાયલ થયેલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  ઘાયલો પૈકી ઘણા ગંભીર જણાવવામાં આવ્યા છે.

(9:17 am IST)