Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અવિશ્વાસ દરખાસ્ત છતાં પણ મોદી સરકાર ઉપર સંકટ નહીં

એનડીએ પાસે હાલમાં કુલ ૩૧૦ સીટો છે : ભાજપ પાસે ૨૭૩ સાંસદ : સાથી પક્ષોના સાંસદો તાકાત વધારી રહ્યા છે : દરખાસ્ત સાંકેતિક વિરોધ તરીકે રહેશે

નવી દિલ્હી,તા. ૧૮ : સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. મોનસુન સત્ર શરૂ થવાની સાથે જ ધાંધલ ધમાલની શરૂઆત થઇ હતી. આજે પ્રથમ દિવસે વિપક્ષ દ્વારા સરકારની સામે લોકસભામાં મુકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકારી લીધા બાદ આના ઉપર શુક્રવારે ચર્ચા થશે અને મતદાન થશે. સંસદનું મોનસુન સત્ર હંગામેદાર થવાની શક્યતા દેખાઈ રહી છે. અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારી લેવામાં આવ્યા બાદ મોદી સરકાર ઉપર કોઇ સંકટ નથી. કારણ કે તેની પાસે મજબૂત આંકડા રહેલા છે. મોદી સરકારની પાસે એનડીએના તમામ સાથીઓના મળીને લોકસભામાં ૩૧૦ સાંસદ છે. આવી સ્થિતિમાં અવિશ્વાસ દરખાસ્તને માત્ર સરકારની સામે સાંકેતિક વિરોધ તરીકે જ ગણવામાં આવશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસમાં છે. આંકડાકીય રીતે જોવામાં આવે તો ભાજપ પાસે હાલમાં ૨૭૩ સભ્યો પોતાના છે. તેની પાસે એકલા હાથે બહુમતિ છે. ૨૦૧૪ના આંકડા ઉપર નજર કરવામાં આવે તો તે વખતે ભાજપ પાસે પોતાની ૨૮૨ અને અન્યોને મળી ૩૩૭ સીટો હતી પરંતુ હવે તેની સીટોની સંખ્યા ઘટીને ૩૧૦ થઇ છે. ટીડીપીના સભ્યો તેની સાથેથી નિકળી ચુક્યા છે. ટીડીપીના ૧૬ સભ્યો હતા. લોકસભા ચૂંટણી વેળા ટીડીપીના સભ્યો તેની સાથે હોવાથી સ્થિતિ વધારે મજબૂત હતી. બુધવારના દિવસે સમાજવાદી પાર્ટી અને તેલુગુદેશમ પાર્ટીના સાંસદોએ લોકસભામાં મોબ લિચિંગની વધતી ઘટનાઓ અને આંધ્રપ્રદેશ માટે સ્પેશિયલ સ્ટેટસની માંગ કરીને અનેક મુદ્દાઓ ઉપર રજૂઆત કરી હતી. આ ગાળા દરમિયાન કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે જે સરકાર ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી રહી છે જે સરકારમાં દરરોજ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ થઇ રહી છે તે સરકાર સામે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવી રહ્યા છીએ. અવિશ્વાસ દરખાસ્તને લોકસભા અધ્યક્ષે સ્વીકારી લીધી હતી. સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર તમામ સભ્યોના નામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ટીડીપીના શ્રીનિવાસ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે. કારણ કે લોટરીથી તેમનું નામ નિકળ્યું છે. ટીડીપી આંધ્રપ્રદેશના ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને હોબાળો મચાવી રહી છે. બીજી બાજુ આરજેડીના સભ્યોએ મોબ લિચિંગના મુદ્દા પર હોબાળો મચાવ્યો હતો. ટીડીપી આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરીને  આ વર્ષે માર્ચ મહિનામાં એનડીએ સરકારથી અલગ થઇ ગઇ હતી. શ્રીનિવાસે શૂન્ય કલાકમાં દરખાસ્ત રજૂ કરી હતી. ટીડીપીના સભ્યોએ બજેટ સત્ર દરમિયાન પણ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ આને ફગાવી દેવામાં આવી હતી.

આંકડાકીય માયાજાળ

        નવીદિલ્હી, તા. ૧૮ : મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત સ્વીકાર કરવામાં આવ્યા બાદ શુક્રવારના દિવસે તેના ઉપર ચર્ચા થશે અને મતદાન થશે. ૨૦૧૮માં ભાજપની સ્થિતિ નીચે મુજબ છે.

એનડીએની કુલ સીટો.................................... ૩૧૦

ભાજપની સીટો.............................................. ૨૭૩

શિવસેનાની સીટો............................................. ૧૮

એલજેપીની સીટો............................................. ૦૬

શિરોમણી અકાળી દળની સીટો......................... ૦૪

અન્યોની સીટો  ૦૯

(7:17 pm IST)