Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ: મોદી સરકારની અગ્નિપરીક્ષા

સરકાર વિરૂધ્ધ વિપક્ષે રજુ કરેલી દરખાસ્ત સ્પીકરે મંજૂર કરી : ૪ વર્ષમાં પહેલીવાર અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરશે સરકાર : જો કે લોકસભામાં એનડીએના ૩૧૦ સાંસદો છેઃ આ પ્રસ્તાવ માત્ર સાંકેતિક વિરોધ તરીકે મનાશેઃ પ્રસ્તાવ ઉપર થશે ચર્ચાઃ બંને ગૃહની કાર્યવાહી સ્થગિતઃ અવિશ્વાસની દરખાસ્ત ઉપર શુક્રવારે ચર્ચા થશે

નવી દિલ્હી તા. ૧૮ :  લોકસભામાં સરકાર વિરૂધ્ધ ટીડીપીના અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને મંજુરી આપી દીધી છે. પ્રશ્નકાળ ખત્મ થવાની સાથે જ ટીડીપીએ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો. પ્રસ્તાવ પર સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહયું કે, તેઓ તેના પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અવિશ્વાસ દરખાસ્ત ઉપર શુક્રવારે ચર્ચા થશે.

 કેન્દ્રની મોદી સરકાર વિરૂધ્ધ તે પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ છે. જો કે નંબર ગેમ મામલે ભાજપની નેતૃત્વવાળી એનડીએ સરકારને તેનાથી કોઇ ખતરો નથી. નરેન્દ્ર મોદી સરકાર પાસે એનડીએના દરેક સહયોગી દળોને મળીને કુલ થઇને લોકસભામાં ૩૧૨ સાંસદ છે. વિપક્ષ લોકસભામાં મોદી સરકારની પ્રથમ પરીક્ષા લેશે.

એ પહેલા સંસદના મોનસુન સત્રની શરૂઆત પણ અંદાજ મુજબ તોફાની રહી લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિવિધ મુદ્દા પર સંસદમાં હોબાળો શરૂ થયો. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રશ્નકાળ શરૂ કરી દીધો. સંસદમાં ટીડીપીના સાંસદ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ અંગે અમને ન્યાય જોઇએ છે નો હોબાળો કરવા લાગ્યા. બીજી બાજુ આરજેડી અને સીપીએમ દેશભરમાં મોબલિંચિંગ પર ચર્ચા કરવા અંગે હોબાળો કરવા લાગ્યા.

આરજેડી અને સીપીએમ સાંસદ પ્રશ્નકાળ સ્થગિત કરીને મોબલિંચિંગ પર ચચર્ચાની માંગ કરી રહ્યા છે. જોકે લોકસભા અધ્યક્ષે તેને માંગને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મોનસુન સત્ર ૧૮ જુલાઇથી ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે સૂચારૂરૂપે સદન ચલાવવા માટે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભામાં મોબલિંચિંગ પર ચર્ચા કરવા માટે નોટીસ પણ આપી. આરજેડીએ મોબલિંચિંગના મામલે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો.

લોકસભામાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ નવા પસંદગી થયેલા સાંસદોએ શપથગ્રહણ કર્યા અને ત્યારબાદ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કેટલાક પૂર્વ દિવંગત સાંસદોને શ્રધ્ધાંજલી આપી. આ સત્રમાં સરકાર ૨૫ વિધયકોને રજુ કરવાની તૈયારીમાં છે.

રાજયસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભાનાં કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીનાં નિર્ણયને જાહેર કરતા કહ્યું કે આ પ્રસ્તાવ માટે ૧૫ પક્ષોનો સહયોગ છે. આઝાદે જણાવ્યું કે બેઠકમાં હાજર ૧૨ પક્ષોએ નકકી કર્યુ છે કે સંસદમાં મોદી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે. બેઠકમાં જે ચાર પક્ષોની ભાગીદારી નથી થઈ શકી તેમની સાથે પુનૅં વિચારણા કરવામાં આવશે.ઙ્ગ

એક પછી એક પેટાચુંટણીમાં હારનો સામનો કરવા છતાં ૨૭૩ સાંસદો સાથે ઙ્ગભાજપ સંસદમાં પૂર્ણ બહુમતિ ધરાવે છે. વિપક્ષનાં એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, જોઈએ છે કે સરકાર અમારી વાત માને છે કે ફરી સહયોગી પક્ષો સાથે મળીને ગૃહમાં પહેલાની જેમ જ અવરોધ નાખવાનું કામ કરે છે અને સ્પીકરને અવિશ્વાસ પ્રસ્તાવને અસ્વીકાર કરવાનું કોઈ બહાનું આપે છે.

(3:41 pm IST)