Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વારંવારના સેલથી ગ્રાહકો કંટાળી ગયા

બારેમાસ સેલને કારણે ગ્રાહકોનો રસ ઘટયોઃ સમર સેલમાં નિરાશાજનક વેંચાણ રહયું

નવી દિલ્હી તા.૧૮: મોટાભાગની બ્રાન્ડ્સ તેમના સમય સીઝન સેલ પુરા કરવાની તૈયારીમાં છે ત્યારે આ વર્ષના સમર સેલમાં કંપનીઓએ નિરાશાજનક વેંચાણ નોંધાવ્યું છે. તાજેતરના મહિનાઓમાં કન્ઝયુમર સેન્ટિમેન્ટ નબળું રહયું હોવાથી મોટા ભાગની બ્રાન્ડ્સે વેચાણ વધારવા માટે તેમના વાર્ષિક સેલો વહેલા ચાલુ કરી દીધા હતા છતાં ફાયદો થઇ શકયો નથી. ફેબ્રુઆરી પછી વેંચાણમાં ખાસ વૃદ્ધિ નહીં કરનારા રિટેલર્સને મુખ્ય સેલ સીઝનમાં પણ વેચાણ વધારવામાં સફળતા મળી ન હોવાથી તેમની મુશ્કેલી વધી છે.

''ગ્રાહકો પૈસા ખર્ચી રહયા નથી. ગયા વર્ષની સરખામણીએ વેચાણ ૧૫-૨૦ ટકા નીચું છે.'' એમ એક ગ્લોબલ બ્રાન્ડના CEO એ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે, વારંવાર આવતી સેલ સીઝનને કારણે વેચાણ પર અસર પડી છે. ''એકંદર વેચાણનો ગ્રાફ નીચો ગયો છે. ચારથી પાંચ વર્ષ પહેલાં વેચાણ સારાં વધતાં હતાં. છેલ્લા ચાર વર્ષમાં સેલ સીઝનની સંખ્યા ઘણી વધી છે. હવે દુકાનો અને શો-રૂમ દ્વારા પણ સમગ્ર વર્ષમાં વારંવાર સેલ સીઝન ચાલતી રહી છે તેમજ ઓનલાઇન કંપનીઓના સેલ તો બારે માસ હોય છે, આથી સેલમાં ખરીદી કરવાનો ઉત્સાહ અને આકર્ષણ ઘટયાં છે.'' એમ લાઇફસ્ટાઇલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ચેઇનનું સંચાલન કરતી કંપની લાઇફસ્ટાઇલ ઈન્ટરનેશનલના એમડી વસંત કુમારે જણાવ્યુ઼ હતું.

લાઇફસ્ટાઇલ ડિપાર્ટમેન્ટ સ્ટોરે વીકએન્ડ દરમિયાન બાય વન ગેટ વન ફ્રી, ક્રેડિટ કાર્ડની ખરીદી પર પાંચ ટકા કેશ બેક અને ગિફટ વાઉચર જેવી ઓફર્સ ચલાવી હતી. તેની હરીફ રિટેલ ચેઇન્સે પણ પ૦ ટકા ડિસ્કાઉન્ટ અને અન્ય ૧૦ ટક કેશ બેકની ઓફર્સ કરી હતી.

જેક એન્ડ જોન્સ, ઓન્લી અને વેરો મોડા દ્વારા પ૦ ટકા વત્તા, ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અને એકિસસ બેન્કના કાર્ડ પર ૧૦% કેશ બેકની ઓફર કરી હતી. અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપ દ્વારા ગ્રાહકોને રૂ. ૫,૦૦૦ થી વધુની ખરીદી પર પ૦ ટકા ફલેટ ડિસ્કાઉન્ટ વત્તા ૫૦૦ રીડિમેબલ પોઇન્ટ્સના મેસેજ મોકલવામં આવ્યા છે જયારે હરીફ કંપની H&M ૭૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર છે. રસપ્રદ વાત એ છે કે, ટોચના મોલ્સમાં ગ્રાહકોની ભીડ વધી રહી છે. પરંતુ ગ્રાહકોની વધતી સંખ્યા રિટેલર્સને વધારે વેચાણ કરાવે તે જરૂરી નથી. વીકએન્ડ દરમિયાન તો નોઇડાના મોલ ઓફ ઇન્ડિયામાં ૯૫૦ વ્યકિતની સીર્ટીંગ કેપેસિટી ધરાવતા ફ્રુડ કોર્ડમાં બેસવાની, જગ્યા મળતી નથી. આવી જ રીતે, મુંબઇના ઇન્ફ્રિનિટી મોલમાં ૧,૦૦૦ લોકો બેસી શકે તેટલું મોટું ફુડ કોર્ડ છે પરંતુ વીકએન્ડમાં ત્યાં પણ બેસવાની જગ્યા મળતી નથી. (૧.૩)

(11:44 am IST)