Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મોદી સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ : ૧૨ પક્ષો સહમત

રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે આરોપ લગાવ્યો કે સરકાર પોતાના વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહી છે અને તેવામાં દેશને વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહી છે

નવી દિલ્હી તા. ૧૮ : કોંગ્રેસે કહ્યું કે, તે બુધવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્રમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સોમવારે વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સામેલ થયેલ તમામ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર સહમત થયા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો પ્રયત્ન તમામ વિપક્ષી દળોને સાથે લેવાનો રહેશે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અન્ય વિપક્ષી પાર્ટીઓને સાથે લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ પક્ષો સાથે મળીને કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ આ સત્રમાં મહિલા સુરક્ષા, બેરોજગારી, મોબ લિંચિંગ, કિસાનોની સ્થિતિ, એસસી/એસટી કાયદો, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો અને સ્વિસ બેન્કોમાં ભારતીયો તરફથી જમા કરવામાં આવતા નાણામાં ૫૦ ટકાના જે વધારો થયો છે તે તમામ મુદ્દાને લઈને સરકારને ઘેરશે.

તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવમાં આ મુદ્દાનો સમાવેશ કરાશે. તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશને વિશેષ રાજયનો દરજ્જો આપવાની માંગ તે ઉઠાવશે. ખડગેએ કહ્યું, જનતાની સમસ્યાઓને ગૃહમાં રાખવાની તક મળશે, તેવી આશા અમે કરીએ છીએ.

તેમણે કહ્યું કે, કહેવામાં આવે છે કે, વિપક્ષ ગૃહ ચાલવા દેતા નથી. આ વાત વડાપ્રધાન અને તેમના લોકો કરે છે. જયારે અમે મહત્વપૂર્ણ મુદ્દા રાખીએ તો તેનાથી બચવા માટે સરકાર નવી રીત શોધી લે છે. તેમણે કહ્યું, અમે ગૃહને ચલાવવા ઈચ્છીએ છીએ અને તમામ મુદ્દા જનતાને દેખાડવા ઈચ્છીએ છીએ. બેઠકમાં તમામ વિપક્ષી પાર્ટીઓનો એક મત હતો કે અમે સાથે મહત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવશે જે જનતાના હિતમાં હોય.

કોંગ્રેસી નેતાએ કહ્યું કે, આ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ થઈ ચૂકી છે. ચૂંટણી ઢંઢેરાના વાયદાઓ પૂરા કરવામાં આવ્યા નથી.લિંન્ચિંગની ઘટનાઓ થઈ રહી છે. તેનું મંત્રીઓ તરફતી સમર્થન કરવામાં આવી રહ્યું છે.  આ મુદ્દાઓ અમે ગૃહમાં રાખશું. તેમણે કહ્યું, બેરોજગારનો મુદ્દો મહત્વપૂર્ણ છે. અને પ્રશ્ન કરશું કે કેટલું રોકાણ આવ્યું છે અને કેટલા લોકોને રોજગાર મળ્યો છે.

(11:31 am IST)