Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જાનૈયાથી ભરેલી પીકઅપ પલટતાં પાંચનાં મોત થયા

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો : શહડોલ નજીક અકસ્માત થતા જ લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી : સ્થાનિક લોકોએ ઘાયલોની મદદ કરી

શહડોલ, તા.૧૮ : શહડોલમાં શુક્રવારે મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત થયો છે. ત્યાં ૪૨ જાનૈયાઓથી ભરેલી પીકઅપ પલટી જવાથી ૫ લોકોના મૃત્યુ થઈ ગયા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, જાનૈયાઓ આ પીકઅપ દ્વારા જયસિંગરના ડોહકા ગામથી દેવલોંદ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં ૩૦થી વધુ ઘાયલ થયા છે જેમાં ૧૦ની હાલત ગંભીર છે. આ ઘટના બ્યૌહારી પોલીસ સ્ટેશન વિસ્તારના ટિહકી ગામ પાસે બની હતી. આ ભીષણ અકસ્માતમાં ૪ લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. બધા ઘાયલોની સારવાર બ્યૌહારી હોસ્પિટલમાં આલી રહી છે. ઘટનાની સૂચના મળતા જ એડીજીપી ડીસી સાગર, કલેક્ટર વંદના વૈદ્ય સહિત બધા વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ભીષણ અકસ્માત અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીએમઓના ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કર્યું છે- શહડોલમાં જાનૈયાઓથી ભરેલું વાહન પલટી જવાથી અનેક લોકોના મોતના દુઃખદ સમાચાર મળ્યા. દિવંગતોને ઈશ્વર પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને તેના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય એવી કામના.

આ અકસ્માત થતા જ લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. આ અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘાયલોની મદદ કરી હતી. ઘાયલો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે સ્થાનિક લોકો ગાડીમાથી ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમાંથી ૪ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

(8:11 pm IST)