Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

યુએસમાં બજારમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થયો

યુએસમાં મોંઘવારીને કાબુમાં લેવા હવાતિયાં : વ્યાજ દરોમાં વધારાના આ પગલાથી અર્થવ્યવસ્થા ધીમી પડશે અને સંભવતઃ મંદી તરફ દોરી શકે છે

વોશિંગ્ટન, તા.૧૮ : અમેરિકામાં મોંઘવારી ૪ દાયકાની ટોચે પહોંચ્યા બાદ હવે કાબૂમાં લેવા માટે વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં ઝડપી વધારો કરવા આગળ વધી રહી છે. યુએસ ફેડ દ્વારા ૧૯૯૪ બાદ સૌથી મોટો ૦.૭૫%નો વ્યાજદર વધારો કર્યા બાદ આગામી મહિને પણ વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડવાની આશંકા વ્યકત કરતા અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં હાહાકાર મચ્યો છે.

ગત સપ્તાહમાં વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શુક્રવારે અમેરિકન બજારમાં સામાન્ય ઉછાળો નોંધાયા છતા બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ સહિતની મોટાભાગની મુખ્ય સેન્ટ્રલ બેંકો દ્વારા મોનિટરી પોલિસી કડક કરવનો નિર્ણય આર્થિક મોરચે નુકશાનકારક બની રહેશે. આ પગલાથી અર્થવ્યવસ્થા ધીમી પડશે અને સંભવતઃ મંદી તરફ દોરી શકે છે. સામે પક્ષે વ્યાજદર વધતા વ્યાજની જાવક અને ખર્ચ વધતા કોર્પોરેટ કમાણીમાં ઘટાડો થવાની શક્યતા છે.

શુક્રવારે ડાઉ જોન્સ ૩૮.૨૯ પોઈન્ટ્સ અથવા ૦.૧૩ ટકા ઘટીને ૨૯,૮૮૮.૭૮ પર બંધ થયો હતો. જ્યારે એસએન્ડપી ૫૦૦ ૮.૦૭ અંક એટલે કે ૦.૨૨ ટકા વધીને ૩,૬૭૪.૮૪ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૧૫૨.૨૫ પોઈન્ટ અથવા ૧.૪૩ ટકા વધીને ૧૦,૭૯૮.૩૫ પર બંધ રહ્યો હતો.

જોકે સમગ્ર સપ્તાહના વધારા-ઘટાડા તરફ નજર કરીએ તો ડાઉ ૪.૭૯ ટકા તૂટ્યો હતો. ઓક્ટોબર ૨૦૨૦ પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક ટકાવારી ઘટાડો હતો. એસએન્ડપી ૫૦૦ ૫.૭૯ ટકા અને નાસ્ડેક ૪.૭૮ ટકા તૂટ્યો.

વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય સૂચકાંકોમાંથી સળંગ ત્રીજા સપ્તાહમાં ઘટ્યા હતા. બેન્ચમાર્ક જીશ્ઁ ૫૦૦ ઇન્ડેક્સમાં માર્ચ ૨૦૨૦ પછી ટકાવારીના આધારે સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થયો છે. આ અગાઉ કોરોના મહામારી દરમિયાન સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક એસએન્ડપી ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે લગભગ ૨૩% તૂટ્યો છે. આ સાથે અમેરિકન બજાર મંદીના ભરડામાં ફસાયેલા હોવાની પુષ્ટિ થઈ છે.

 

 

(8:08 pm IST)