Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અંબાણીથી માંડીને અદાણી બધા ઉદ્યોગપતિની કંપનીઓ પર અબજો રૂપિયાનું કરજ

તમારા નામ પર કોઇ લોન છે તો ચિંતા ના કરો : દેશના ૭ સૌથી મોટા ગ્રુપો પર છે ૧૩ લાખ કરોડથી પણ વધારે દેવું

 

મુંબઇ તા. ૧૮ : દેશમાં આપે અવાર-નવાર મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિ બાબતે સાંભળ્‍યું હશે. અંબાણી, અદાણી, તાતા, બિરલા, બજાજ અને મહિન્‍દ્રા દર વર્ષે દેશ વિદેશમાં અબજો રૂપિયાનો બીઝનેસ કરે છે અને અબજો રૂપિયા કમાય છે પણ તમને એ જાણીને આર્ય થશે કે દેશના આ બધા બીઝનેસમેનો ભારે કરજ હેઠળ દબાયેલા છે. બીઝનેસ ઇન્‍સાઇડરના એક રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૨ના ત્રિમાસીકના આંકડાઓ અનુસાર દેશના ૭ સૌથી મોટા બીઝનેસ ગ્રુપો પર ૧૩ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે કરજ છે.

ટાટા દેશનું સૌથી મોટું બીઝનેસ ગ્રુપ છે. તે ટીસીએસ, ટાટા સ્‍ટીલ, ટાટા કેમીકલ, ટાટા કન્‍ઝયુમર, ટાટા મોટર્સ, ટાટા એલેકક્ષી, ટાટા કોમ્‍યુનિકેશન જેવી મોટી કંપનીઓનું સંચાલન કરે છે. હાલમાં ટાટા ગ્રુપની બધી કંપનીઓનું કુલ કરજ ૨.૯ લાખ કરોડ રૂપિયા છે.

ભારતના સૌથી અમીર વ્‍યકિત મુકેશ અંબાણીની કંપની રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ બજાર મૂલ્‍યાંકનના હિસાબે દેશની સૌથી મોટી કંપની છે. કંપની ટેલીકોમ, રીટેઇલ અને પેટ્રોકેમીકલ જેવા સેકટરમાં બીઝનેસ કરે છે. હાલમાં કંપની પર કુલ કરજ ૨.૬૬ લાખ કરોડ રૂપિયા છે.

આદિત્‍ય બિરલા ગ્રુપ દેશના સૌથી જૂના બીઝનેસ હાઉસમાં ગણાય છે. હાલમાં બિરલા ગ્રુપની કમાન કુમાર મંગલમ બિરલાના હાથમાં છે. અલ્‍ટ્રાટેક સીમેન્‍ટ, એબી ફેશન, એબી કેપીટલ અને હિંદાલ્‍કો જેવી કંપનીઓ આ ગ્રુપમાં છે. આદિત્‍ય બિરલા ગ્રુપ પર ૨.૨૯ લાખ કરોડ રૂપિયાનું કરજ છે.

અદાણી ગ્રુપ દેશમાં ઝડપથી આગળ વધી રહેલ બીઝનેસ ગ્રુપ છે. હાલમાં આ ગ્રુપ હેઠળ અદાણી એન્‍ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્‍સમીશન, અદાણી ગેસ અને અદાણી પોર્ટ જેવી કંપનીઓ છે. અદાણી ગ્રુપની બધી કંપનીઓ પર કુલ કરજ ૨.૧૮ લાખ કરોડ રૂપિયા છે.

એલ એન્‍ડ ટીનું નામ દેશની સૌથી જૂની કંપનીઓમાં આવે છે. ઓલ એન્‍ડ ટી ગ્રુપ હેઠળ એલ એન્‍ડ ટી, એલટીટીએસ, એલટીઇ અને માઇન્‍ડ ટ્રી જેવી કંપનીઓ છે. હાલમાં આ ગ્રુપની કંપનીઓ પર કુલ ૧.૬૨ લાખ કરોડ રૂપિયાનું કરજ છે.

 

આનંદ મહિન્‍દ્રાના નેતૃત્‍વવાળા મહિન્‍દ્રા ગ્રુપનું નામ પણ દેશના સૌથી વધુ કરજદાર બીઝનેસ ગ્રુપમાં સામેલ છે. મહિન્‍દ્રા ગ્રુપમાં મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા મોટર્સ, મહિન્‍દ્રા લાઇફ સ્‍પેસ, મહિન્‍દ્રા હોલીડે અને મહિન્‍દ્રા લોજીસ્‍ટીક જેવી કંપનીઓ છે. મહિન્‍દ્રા ગ્રુપ પર કુલ ૭૪૬૬૭ કરોડ રૂપિયાનું કરજ છે.

બજાજ ગ્રુપ દેશના સૌથી ચર્ચિત બીઝનેસ ગ્રુપોમાંનું એક છે. બજાજ ગ્રુપ હેઠળ બજાજ ફીન્‍સર્વ, બજાજ મોટર્સ, બજાજ ફાઇનાન્‍સ, બજાજ ઇલેકટ્રોનિકસ અને બજાજ હેલ્‍થ કેર જેવી મોટી કંપનીઓ છે. હાલમાં આ ગ્રુપની બધી કંપનીઓ પર કુલ કરજ ૬૧૨૫૩ કરોડ રૂપિયા છે.

(12:49 pm IST)