Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સુપ્રસિદ્ધ ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને યુકેના પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા

૯૪ વર્ષના શ્રી દોશી એકમાત્ર એવા ભારતીય છે અને વૈશ્વિક સ્તરે એવા કેટલાક લોકોમાંથી એક છે જેમને તેમના જીવનકાળમાં રોયલ ગોલ્ડ મેડલ અને પ્રિત્ઝકર આર્કિટેક્ચર એવોર્ડ બંને સંમાનથી નવાજવામાં આવ્યા

લંડન: જાણીતા ભારતીય આર્કિટેક્ટ શ્રી બાલકૃષ્ણ દોશીના જીવનભરના કાર્યોની સિદ્ધિને  નજર સમક્ષ રાખી તેઓશ્રીને રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા વ્યક્તિગત રીતે યુકેના આ સૌથી ગૌરવવંતો રોયલ ગોલ્ડ મેડલ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
ભારતીય આર્કિટેક્ટ શ્રી બાલકૃષ્ણ દોશી(ઉં.૯૪), જેમને દેશની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોની  ડિઝાઇન કરવાનો શ્રેય આપવામાં આવે છે, તેમને મંગળવારે રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨ થી નવાજવામાં આવ્યા હતા,  જેને આર્કિટેક્ચર માટે વિશ્વના સર્વોચ્ચ સન્માનો માહેનું ગણાવાય છે.
૯૪ વર્ષના શ્રી દોશી એકમાત્ર એવા ભારતીય છે અને વૈશ્વિક સ્તરે એવા કેટલાક લોકોમાંથી એક છે જેમને તેમના જીવનકાળમાં રોયલ ગોલ્ડ મેડલ અને પ્રિત્ઝકર આર્કિટેક્ચર એવોર્ડ (જેને  આર્કિટેક્ચર ક્ષેત્રના નોબેલ પ્રાઈઝ તરીકે ઓળખવામાં આવે છે) આ બંને સંમાનથી નવાજવામાં આવ્યા છે.
“ઈંગ્લેન્ડનાં મહારાણી તરફથી રોયલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને હું ખૂબ જ ધન્યતા અનુભવું છું.  આ સમાચારે ૧૯૫૩ માં "લે કોર્બ્યુઝિયર" સાથે કામ કરતા મારા એ સમયની યાદો અપાવી જ્યારે તેમને રોયલ ગોલ્ડ મેડલ મળ્યાના સમાચાર મળ્યા હતા. બરાબર  છ દાયકા પછી, મારા ગુરુ, લે કોર્બ્યુઝિયરને જે એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા તે જ એવોર્ડ થી - મારી છ દાયકાની પ્રેક્ટિસનું સન્માન કરીને એ જ  પુરસ્કારથી મને નવાજવામાં આવતા હું ખરેખર મારી જાતને ધન્ય અનુભવું છું..." તેમ શ્રી બાલકૃષ્ણ દોશીએ કહ્યું. (સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાંકિત આર્કિટેક શ્રી સુરેશ સંઘવી મો.(+91 99250 09966) ના સોશિયલ મીડિયાના અહેવાલના આધારે સાભાર..)

(10:19 am IST)