Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

લો કર લો બાત

શહેરો કરતાં ગામડામાં ઇલાજ મોંઘો બન્યો

ગ્રામીણ વિસ્તારોમાં ઇલાજ-તપાસ-દવાઓનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે

નવી દિલ્હી તા. ૧૮ :.. ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી ભલે ઓછી હોય પણ આરોગ્ય સેવાનો વધતો ખર્ચ લોકોના ખીસ્સા ખાલી કરે છે. એટલું જ નહીં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં આરોગ્ય સેવાઓ વધારે મોંઘી બની છે.

રાષ્ટ્રીય આંકડા ઓફીસ અનુસાર, આરોગ્ય સેવાઓનો ખર્ચ મે માં આઠ ટકાના દરે વધ્યો છે. એમાં પણ ગામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાની મોંઘવારી ૯ ટકા અને શહેરી વિસ્તારોમાં ૬ ટકા રહી છે. જયારે છૂટક મુદ્રાસ્ફિતી મે માં ૩.૦પ ટક રહી હતી. તેમાં શાકભાજી, અનાજ વગેરે સાથે જોડાયેલી ખાદ્ય મોંઘવારી મે માં ૧.૮૩ ટકા હતી. ચિંતાજનક વાત છે કે શહેરોની સરખામણીમાં ગામડામાં ઇલાજ, તપાસ અને દવાઓનો ખર્ચ વધારે ઝડપથી વધ્યો છે. આરોગ્ય સેવાઓમાં પણ હોસ્પીટલમાં રૂમ અને નર્સીંગ સેવાઓના ભાવ દસ ટકા કરતા પણ વધારે વધ્યા છે.

જાન્યુઆરીથી જ આરોગ્ય સેવાઓના ભાવમાIં આ ઉછાળો ચાલુ છે. જો કે તે ચિંતાજનક સ્તરે નથી. સરકારી સેવાઓ પર વધી રહેલા બોજના કારણે લોકો ઝડપથી ખાનગી હોસ્પીટલો અને કલીનિક તરફ મોઢૂ ફેરવી રહ્યા છે.

દુનિયાની વસ્તીમાં પાંચમાં ભાગનો બોજ સહન કરનાર ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ પર ખર્ચ અત્યંત ઓછો છે. વર્ષ ર૦૧૭-૧૮ માં ભારતનો સરકારી આરોગ્ય ખર્ચ જીડીપીના ૧.૪ ટકા હતો. જે ભારતના ઘણાં પાડોશી દેશો કરતા ઓછો છે. જયારે દેશનું સુરક્ષા બજેટ જીડીપીના ર.પ ટકા હતું. નિષ્ણાતો ઘણા સમયથી સરકારી આરોગ્ય ખર્ચને જીડીપીના ૩ ટક સુધી લઇ જવાની માગણીઓ કરી રહ્યા છે પણ હાલ પુરતું તો તે સંતોષાય તેવું નથી દેખાતું.

(11:39 am IST)