Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

યુવા પાકિસ્તાની પત્રકાર બિલાલની હત્યા

પાકિસ્તાની લશ્કર-જાસુસીતંત્રના કારનામા ઉજાગર કરનારઃ સોશ્યલ મીડીયામાં ઝુંબેશ ચલાવતો'તો : લશ્કરની સામે ચડેલઃ ખળભળાટ મચાવતા વિસ્ફોટ કરેલ

 ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના કટ્ટરપંથીઓ વાજબી ટીકા પણ સહન કરી શકતા નથી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. એનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના ૨૨ વર્ષના બ્લોગર-પત્રકાર મોહમ્મદ બિલાલ ખાનની પાક. લશ્કરની ટીકા કરવા બદલ હત્યા કરી નાખવામાં આવી હતી.

પાકિસ્તાનનો ૨૨ વર્ષનો બ્લોગર-પત્રકાર મોહમ્મદ બિલાલ ખાન પાક. લશ્કર અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કરતૂતો બહાર લાવતો હતો. લશ્કરના ષડયંત્રો અને આઈએસઆઈએસ દ્વારા કેવી રીતે નિર્દોષ લોકોનો આતંકવાદમાં ઉપયોગ થાય છે તે બાબતે મોહમ્મદ નિર્ભિક રીતે સોશિયલ મીડિયામાં પણ લખતો હતો. ટ્વિટરમાં તેના ૧૬ હજાર ફોલોઅર્સ હતા, યુટયૂબ ચેનલમાં ૪૮,૦૦૦ સબસ્ક્રાઈબર્સ હતા અને ફેસબુકમાં ૨૨૦૦૦ ફોલોઅર્સ ધરાવતો આ યુવાબ્લોગર વાજબી બાબતોમાં સરકારની ટીકા કરતો હતો.

યોગ્ય મુદ્દા ઉઠાવીને પાક.લશ્કરની ભૂલો દર્શાવતો હતો અને આઈએસઆઈની શંકાસ્પદ ભૂમિકાની ય ચર્ચા કરતો હતો. તેનું આ બેખોફ વલણ કટ્ટરપંથીઓને આંખના કણાની જેમ ખૂંચતું હતું. આખરે કટ્ટરપંથીઓની જમાતે આ યુવા પત્રકાર-બ્લોગરની હત્યા કરી નાખી હતી.

અજાણ્યા હત્યારાએ તેની હત્યા પછી લાશને જંગલમાં રઝળતી મૂકી દીધી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે મોહમ્મદ બિલાલ ખાન જે રાત્રે તેમના મિત્રો સાથે બહાર હતો એ વખતે તેના મોબાઈલમાં છેલ્લે કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. એ વાતચીત તેની છેલ્લી વાતચીત હતી. ત્યારબાદ તે એ ગુમ થઈ ગયો અને પછી જંગલમાંથી તેની લાશ મળી આવી હતી.

મોહમ્મદ બિલાલ ખાનના ફોલોઅર્સે સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર મોહમ્મદ બિલાલ ટેગથી કેમ્પેઈન ચલાવીને આરોપીને તાત્કાલિક ઝડપી લેવાની માગણી કરી હતી.

(11:38 am IST)