Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બિહાર : તાવના લીધે મોતનો આંકડો વધી હવે ૧૧૦ થયો

બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ખુબ વધારે : તાવ પર અંકુશ મેળવી લેવામાં હજુ સુધી નિષ્ફળતા મળી

પટણા,તા. ૧૮  : બિહારમાં ચમકી તાવના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે વધુ કેટલાક બાળકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૧૦ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ સેંકડો બાળકો સારવાર હેઠળ હોવાના કારણે મોતનો આંકડો હજુ વધવાની દહેશત દેખાઇ રહી છે. ચમકી તાવ તરીકે ગણાતા એક્યુટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમથી હજુ સુધી ૧૧૦ લોકોના મોત રાજ્યમાં ભારે દહેશત ફેલાયેલી છે. બિમારીના કારણે બાળકોના મોત થઇ રહ્યા છે ત્યારે સરકાર ભારે ઉદાસીન દેખાઇ રહી છે. એસકેએમસીએચના અધિકારી સુનિલ કુમાર શાહીએ કહ્યુ છે કે હોસ્પિટલોમાં હાલમાં ક્ષમતા કરતા વધારે કામ થઇ રહ્યુ છે. જુદી જુદી હોસ્પિટલમાં તબીબોની કમી, જરૂરી દવાના અભાવ અને બેડ અને નર્સિંગ સ્ટાફની અછતના કારણે પણ બિમારી વધારે વધી ગઇ છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે લોકસભાની ચૂંટણીના કારણે મુઝફફરનગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી જાગરૂકતા અભિયાન હાથ ધરવામાં સફળતા મળી નથી. જેની પણ પ્રતિકુળ અસર જોવા મળી છે. સરકાર રોગ પર કાબુ મેળવી લેવા માટેના તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં હજુ સુધી સફળતા મળી નથી.  ૩૩૦ બાળકો હજુ પણ સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે.  કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે જો સ્ સરકારે પહેલાથી જ તૈયાર કરવામાં આવેલી યોજનાને અમલી બનાવી હોત તો બાળકોને બચાવી શકાયા હોત. રાજ્યમાં હજુ સુધી આ બિમારીને રોકવા માટે સરકારે રિસર્ચ અને સારવાર પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતીમાં કોઇ નોંધપાત્ર સુધારો થઇ રહ્યો નથી. મોતનો સિલસિલો જારી છે. માત્ર એક જ હોસ્પિટલમાં સેંકડો બાળકોના મોત થયા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે બાળકોના મોત નાની હોસ્પિટલમાં થયા છે અથવા તો ઘરમાં થયા છે તે બાળકોનો મોતના આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બિન સરકારી આંકડા દર્શાવે છે કે આ બિમારીથી હાલમાં બે હજાર બાળકો ગ્રસ્ત થયેલા છે. બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ તાવના કારણે ઉભી થયેલી જટિલ સ્થિતીની માહિતી મેળવી લેવા માટે બિહારમાં પહોંચી ગયા છે. અસરગ્રસ્ત તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર તબીબોની બાજ નજર છે. મુજફ્ફરપુર પહોંચેલા હર્ષવર્ધને પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. નિષ્ણાંત તબીબો સાથે વાતચીત કરી હતી. હર્ષવર્ધને શ્રીકૃષ્ણા મેડિકલ અને હોસ્પિટલની મુલાકાત લઇને તબીબો સાથે વાત કરી છે.

૧૦ વર્ષમાં ૧,૦૦૦થી વધુના મોત થયા છે.....

ગરમી, લૂ, કુપોષણથી મોત

પટણા, તા. ૧૮ : બિહારમાં તાવના કારણે હાલમાં ૧૧૦ બાળકોના મોત થઇ ગયા છે. હજુ પણ બાળકોના મોત થઇ રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી લઇને વર્ષ ૨૦૧૦ વચ્ચેના ગાળામાં ઇન્ફેક્શનના કારણે ૧૦૦૦ બાળકોના મોત થયા હતા. બિમારીનુ કારણ શોધી કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ સફળતા મળી નથી. બિમારીના કારણમાં તપાસ ચાલી રહી છે પરંતુ જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે બિહારમાં હાલમાં વધી ગયેલી ગરમીના કારણે આ બિમારીએ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ગરમી, કુપોષણ, લુ લાગવાના કારણે આ બિમારી વધી ગઇ છે. સમયથી ગ્લુકોઝ લગાવી દેવાની બાબતને સૌથી અસરકારક ઇલાજ તરીકે ગણવામાં આવે છે.

(7:42 pm IST)