Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કોરોના : એક હજાર બેંકકર્મીઓના મોત : અત્યાર સુધી એક લાખથી વધુ કર્મચારીઓ થયા સંક્રમિત

ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેંક કર્મી કોરોના સંક્રમિત : ગુજરાતમાં ૩૦ અને મધ્યપ્રદેશમાં ૪૬ બેંક કર્મચારીઓના કોરોનાથી મોત થયા છે

નવી દિલ્હી તા. ૧૮ : કોરોનાએ અત્યાર સુધીમાં દેશની બેંકોનાં એક લાખથી વધુ કર્મચારીઓને પોતાની ઝપેટમાં લીધા છે. જોકે ૯૯ હજારથી વધુ બેંક કર્મચારીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે, આ માહિતી ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનનાં સેક્રેટરી એસ.નાગરંજન દ્વારા એક સમાચાર એજન્સીને આપવામાં આવી છે.

તેમણે દાવો કર્યો કે ગયા વર્ષથી એક હજારથી વધુ કર્મચારીઓનાં મોત થયા છે. નાગરંજનનાં જણાવ્યા અનુસાર, બેંક કર્મચારીઓ પણ દેશના ફ્રન્ટ લાઇન વર્કર છે. કોરોના તેમને પણ ઝડપી શિકાર બનાવી રહ્યો છે. દેશમાં લગભગ ૧૫ લાખ બેંક કર્મચારીઓ છે.

નાગરંજન એ કહ્યું કે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં એક લાખ બેંકકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા છે. જયારે એક હજાર કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે.

બીજી તરફ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસો. સીએચ જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે જણાવ્યું કે ગુજરાતમાં ૧૫ હજાર બેંક કર્મચારીઓ કોરોના સંક્રમિત છે. રાજયમાં અત્યાર સુધીમાં ૩૦ બેન્કકર્મીઓ મૃત્યુ પામ્યા છે. જયારે મધ્યપ્રદેશમાં ૪૬ કર્મચારીઓનાં મોત નીપજયાં છે. કોરોનાને કારણે થયેલા મોતને પગલે ઘણી બેંક શાખાઓ હંગામી ધોરણે બંધ થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેન્કોની શાખાઓ સૌથી વધુ છે. અહીં કોરોનાનાં સૌથી વધુ બેંક કર્મચારી સંક્રમિત થયા છે. વેંકટચલમે કહ્યું કે, તમામ બેંકો કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને વળતર આપવાની નીતિને પ્રકાશમાં લાવી રહી નથી.

(10:33 am IST)