Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

નવી ગાઇડલાઇન જાહેર

કોરોનાની સારવારમાંથી પ્લાઝમા થેરેપીને બહાર કરાઇ

પ્લાઝમા થેરેપી કોરોનાની સારવારમાં પ્રભાવી નથી સાબિત થઇ રહી અને ઘણા મામલામાં તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો

નવી દિલ્હી તા. ૧૮ : કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના દર્દી માટે કારગર મનાયેલી પ્લાઝમા થેરેપીને કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા નેશનલ ટાસ્ક ફોર્સની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં કહેવાયું હતું કે, પ્લાઝમા થેરેપીથી ફાયદો નથી થતો. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપે કોવિડ-૧૯ દર્દીઓના મેનેજમેન્ટ માટે રિવાઈઝડ કિલનિકલ ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં પ્લાઝમા થેરેપીનો કોઈ ઉલ્લેખ નથી કરાયો. જયારે કે, પહેલા પ્રોટોકોલમાં તે સામેલ હતી. કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં હાલમાં ડોકટર્સ પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરી રહ્યા છે.

એમ્સ/આઈસીએમઆર-કોવિડ ૧૯ નેશનલ ટાસ્ક ફોર્સ/ જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારે એડલ્ટ કોરોના દર્દીઓના મેનેજમેન્ટ માટે કિલનિકલ ગાઈડન્સમાં ફેરફાર કર્યો છે. સાથે જ આઈસીએમઆરએ કોવિડ સારવાર પ્રોટોકોલના એક ભાગના રૂપમાંથી પ્લાઝમા થેરેપીને હટાવી દીધી છે.

રિપોર્ટ મુજબ, કોવિડ-૧૯ સંબધી આઈસીએમઆર- નેશનલ વર્કફોર્સની બેઠકમાં બધા સભ્ય એ બાબતના પક્ષમાં હતા કે, કોવિડ-૧૯ના વયસ્ક દર્દીઓની સારવાર મેનેજમેન્ટ સંબંધી તબીબી દિશા-નિર્દેશોમાંથી પ્લાઝમા થેરેપીના ઉપયોગને હટાવી દેવી જોઈએ, કેમકે તે પ્રભાવી નથી અને ઘણા મામલામાં તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો.

પ્લાઝમા થેરેપીને કાયલસેન્ટ પ્લાઝમા થેરેપી પણ કહેવાય છે. તેમાં કોરોનામાંથી સાજી થઈ ચૂકેલી વ્યકિતના શરીરમાંથી પ્લાઝમા કાઢીને સંક્રમિત વ્યકિતની બોડીમાં ઈન્જેકશનની મદદથી ઈન્જેકટ કરાય છે. જણાવી દઈએ કે, કોવિડમાંથી સાજા થઈ ચૂકેલી વ્યકિતના પ્લાઝમામાં એન્ટીબોડીઝ બની જાય છે, જે બીજા સંક્રમિત વ્યકિત માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

જોકે, એ વાતની કોઈ પુષ્ટિ નથી કે, શું પ્લાઝમા થેરપી ખરેખર એક કોરોના રોગીને સાજી કરી શકે છે. તેના પર કરાયેલા બધા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આ પ્લાઝમા થેરેપી કોવિડ-૧૯ સંક્રમિત વ્યકિતને કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરે છે અને દર્દીના હોસ્પિટલમાં એડમિટ થવાના ડ્યૂરેશનને પણ ઓછું કરે છે.

(10:36 am IST)