Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કયામત સુધી કાશ્મીર નહિં જ મળે, બાંગ્લાદેશ ભૂલી ગયા કે શું? : ગંભીરે આફ્રિદીને આપ્યો મૂંહતોડ જવાબ

પાકિસ્તાની ક્રિકેટરે ભારતના વડાપ્રધાન વિરૂદ્ધ ટ્વીટ કરતાં પૂર્વ ક્રિકેટરે ઝાટકણી કાઢીઃ હરભજન પણ નારાજ થયો : મેદાન બહાર પણ ભારતીય ક્રિકેટરોની સટાસટી

નવી દિલ્હી : કાશ્મીર મુદ્દા પર શાહિદ આફ્રિદીએ કરેલી એક ટ્વીટ પર ગૌતમ ગંભીરે તેને આડેહાથ લઈને તેની ઝાટકણી કાઢી છે.

આફ્રિદીએ ટ્વીટ કરી હતી કે કાશ્મીરીઓની વેદના અનુભવવા માટે ધાર્મિકતા જરૂરી નથી. સાચા લોકો સાચા સ્થાને હોવા જોઈએ. કાશ્મીર બચાવો.

શાહિદી આફ્રિદીને જવાબ આપતા ગૌતમ ગંભીરે ટ્વીટ કરી કે ૧૬ વર્ષના માણસના કહ્યા પ્રમાણે ૨૦ કરોડ લોકો પાકિસ્તાનની ૭ લાખ લોકોની ફોર્સને ટેકો આપે છે છતા ૭૦ વર્ષથી તેઓ કાશ્મીર માટે ભીખ માગે છે. આફ્રિદી, ઈમરાન અને બાજવા જેવા જોકર ભારત અને નરેન્દ્ર મોદીજીના વિરોધમાં પોતાની પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે, પણ કયામત સુધી કાશ્મીર નહિં મળે. બંગલાદેશ યાદ છે ને?

આ પહેલા પણ આ બંને ખેલાડીઓ વચ્ચે વિવિધ કારણસર વાકયુદ્ધ થયા છે.

આ મામલે કરેલી એક ટ્વીટ બદલ ગૌતમ ગંભીરે તેની ઝાટકણી કાઢી હતી અને હવે હરભજનસિંહ પણ આફ્રિદીની ટ્વીટથી ખફા થયો છે. હરભજનસિંહે તો એટલુ પણ કહી દીધુ કે હું હવે આીફ્રદી સાથે કોઈ સંબંધ નહિં રાખુ.

પોતાની નારાજગી વ્યકત કરતા હરભજને કહ્યુ કે આફ્રિદીએ આપણા દેશ અને વડાપ્રધાન માટે જે ટિપ્પણી કરી એ ખરેખર દુઃખદ છે અને સ્વીકાર્ય નથી. ખરૂ કહુ તો કોરોનાના સમયમાં એને માટે અપીલ કરવાની વાત આફ્રીદીએ જ અમને કરી હતી અને આપણા વડાપ્રધાને પણ દેશની સીમા વટાવી એકબીજાને મદદ કરવાની અપીલ કરી હતી. એટલે માનવતાની દૃષ્ટિએ અમે તેને મદદ કરવાની અપીલ કરી હતી પણ આ માણસ આપણા દેશ માટે ખોટુ બોલી રહ્યો છે. હું માત્ર એટલુ કહેવા માગીશ કે હવે મારે શાહીદ આફ્રિદી સાથે કંઈ લેવા દેવા નથી.

(11:54 am IST)