Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ખાનગીકરણ અંગે કરેલી જાહેરાતોથી કામદાર સંઘોમાં રોષ

સરકાર કોવિડ-૧૯ કટોકટીનો ઉપયોગ પોતાના રાજકીય એજન્ડાનો અમલ કરવા કરી રહી છેઃકામદાર સંદ્યો સાથે પરામર્શ વિના જ થયા ફેરફાર

નવી દિલ્હી, તા.૧૮: નાણાપ્રધાન નિર્મલા સીતારામને ઉદારીકરણ અને ખાનગીકરણની મદદથી સંખ્યાબંધ સેકટરને વેગ આપવાની જાહેરાતો કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય સંલગ્ન ભારતીય મઝદૂર સંદ્ય (બીએમએસ) સહિતનાં સંગઠનો સરકારના આ પગલાંની આલોચના કરી રહ્યાં છે. સંગઠનો આક્ષેપ કરી રહ્યાં છે કે સરકાર કોવિડ-૧૯ કટોકટીનો ઉપયોગ પોતાના રાજકીય એજન્ડાનો અમલ કરવા કરી રહી છે. ભારતીય મઝૂદર સંદ્યે જણાવ્યું હતું કે અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા કોઇક નવો રાહ અપનાવવાની જરૂર છે. ભૂતકાળમાં નિષ્ફળ ગયેલા વિચારોને કામે લગાડવાની જરૂર નથી.

ભારતીય મઝદૂર સંદ્યે જણાવ્યું હતું કે કામદાર સંગઠનો, સામાજિક પ્રતિનિધી અને હિત ધરાવનારા તમામ લોકો સાથે પરામર્શ થયા વિના જ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારને કદાચ પોતાના વિચારોમાં જ વિશ્વાસ નથી. અખિલ ભારત વેપાર સંગઠન કોંગ્રેસના મહામંત્રી અરણજિત કૌરે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ રાહત પગલાં સાથે આ જાહેરાતોને કોઇ નિસ્બત નથી.

ભારતીય મઝદૂર સંદ્યે જણાવ્યું છે કે નાણામંત્રી સીતારામનની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની દરખાસ્તો રાષ્ટ્રહિતમાં નથી. કોર્પોરેટાઇઝેશન અને ખાનગી- જાહેર ભાગીદારીનો રૂટ તે ખાનગીકરણ અને વિદેશીકરણનો માર્ગ છે. આ કામદાર સંગઠન કટલીક રાજય સરકારો દ્વારા શ્રમ કાયદામાં જાહેર કરેલા ફેરફારોનો વિરોધ કરી રહ્યું છે. સંગઠને જણાવ્યું હતું કે દેશ અને દેશના લોકો માટે આ મોટા દુઃખનો દિવસ છે. સરકાર ખોટી દિશામાં જઇ રહી છે.

(10:02 am IST)