Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ભારત WHOનાં એક્ઝિક્યુટિવ બોર્ડનું ચેરમેન બનશે : જાપાનનું સ્થાન લેશે : આગામી બેઠકમાં પદ સંભાળશે

સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રૂપમાં સર્વસંમતિથી આ પદ માટે ભારતના નામનો પ્રસ્તાવ મુકાયો

નવી દિલ્હી: ભારત આગામી સપ્તાહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નાં એક્ઝિક્યુટિવ બોર્ડનું ચેરમેન બનશે  તેવામાં સમગ્ર વિશ્વની નજર ભારત પર રહેશે કે તે કોરોના વાયરસ મુદ્દે ચીન વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા અવાજને કેવી રીતે લે છે.

ઘણા દેશોનો આરોપ છે કે ચીને આ રોગચાળા અંગે વિશ્વને અંધારામાં રાખ્યું છે. આ જ કારણથી ચીન વિરુદ્ધ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ વૈશ્વિક સંસ્થાના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રૂપમાં સર્વસંમતિથી આ પદ માટે ભારતના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ભારત એક્ઝિક્યુટિવ બોર્ડની આગામી બેઠકમાં આ પદ સંભાળશે.

તેમાં ડબલ્યુએચઓના 194 સભ્ય દેશ હશે. ભારત એવા સમયે આ પદ સંભાળવા જઈ રહ્યું છે જ્યારે ચીન અને અમેરિકા વચ્ચે કોરોના મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. ઘણા અન્ય દેશોએ પણ આ મુદ્દા પર ચીનના વલણનો વિરોધ કર્યો છે.

કોરોનાની શરૂઆત ચીનના વુહાન શહેરમાં થઈ હતી અને હવે તેણે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધી છે. સમગ્ર વિશ્વમાં 45 લાખથી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો છે અને ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ અને જર્મની ચીન વિરુદ્ધ તપાસ કરી રહ્યા છે. આ દેશોના નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ આ મામલાની તપાસ ઈચ્છે છે.

(12:00 am IST)