Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આરબીઆઇના નિર્દેશના કારણે ડિજિટલ પેમેન્‍ટ મુશ્કેલીમાં મુકાયો

નવી દિલ્‍હીઃ આરબીઆઇ દ્વારા યુઝસ ડેટાને દેશમાં જ સ્‍ટોર કરવાના નિર્ણયને કારણે ડિજિટલ પેમેન્ટ ઉદ્યોગ મુશ્‍કેલીમાં મુકાયો છે. ડિજિટલ પેમેન્ટ કંપનીઓએ આ નિર્ણયને કઠોર ગણાવ્યો છે જ્યારે અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર પેટીએમે આ નિર્ણયને આવકાર્યો છે.

પેમેન્ટ ઉદ્યોગ પોતાની ચિંતા અંગે નિયમનકારને ઔપચારિક રજૂઆત કરે તેવી સંભાવના છે એમ ટોચના અધિકારીએ જણાવ્યું છે. અમે આ મુદ્દે સર્વાનુમત સાધવા પ્રયાસ કરીશું. અમે આ સપ્તાહે જ મધ્યસ્થ બેન્કને રજૂઆત કરીશું એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ છઠ્ઠી એપ્રિલે દેશમાં કાર્યરત સ્થાનિક અને વિદેશી પેમેન્ટ કંપનીઓને ઓક્ટોબર મહિના સુધીમાં ભારતમાં ડેટા સ્ટોરેજ કરવા આદેશ કર્યો હતો. છ મહિનાની કડક સમયમર્યાદાને કારણે ઉદ્યોગની કેટલીક કંપનીઓ નારાજ થઈ ગઈ હતી અને એવી દલીલ કરી હતી કે આ નિર્ણયને કારણે તો સુસ્થાપિત વૈશ્વિક નેટવર્ક ખોરવાઈ જશે અને સેક્ટરમાં ઇનોવેશન અટકી જશે.

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (IAMAI)એ જણાવ્યું હતું કે, આરબીઆઇનો આ જડ નિર્ણય છે. અસરગ્રસ્ત પક્ષકારોને વિશ્વાસમાં લીધા વિના નિયમનકારે આવા મૂળભૂત ફેરફાર કરવાની જરૂર નહોતી. આરબીઆઇના નિર્દેશથી ગૂગલની તેઝ પેમેન્ટ સર્વિસ, એમેઝોનની એમેઝોન પે ઉપરાંત ફેસબૂક કે વ્હોટ્સએપની પેમેન્ટ સર્વિસ પર અસર પડશે.

(7:51 pm IST)