Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બિહારના દરભંગામાં મોબાઇલ ચોરીના આરોપીને માનવતાને શરમાવે તેવી સજાઃ નિર્દયતાપૂર્વક માર મારીને ઝાડ ઉપર ઉંધો લટકાવી દીધોઃ ત્રણ શખ્સોની ધરપકડ

દરભંગાઃ બિહારના દરભંગામાં મોબાઈલ ચોરીના આરોપમાં એક વ્યક્તિ સાથે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. દરભંગાના હિંગોલી ગામમાં મોબાઈલ ચોરીની શંકામાં કેટલાક લોકોએ આરોપીને નિર્દયતા માર્યો અને પછી તેને ઝાડ પર ઊંધો લટકાવી દીધો. આ મામલે પોલીસે આરોપીની ધોલાઈ કરનારા 3 શખ્સોની ધરપકડ કરી છે.

હિંગોલી ગામમાં એક સ્થાનિકનો મોબાઈલ ગુમ થઈ ગયો. ચોરીના આરોપમાં કેટલાક ગામ લોકોએ એક વ્યક્તિને ઝડપી લીધો અને હાથમાં આવતાં જ તેને ઢોર માર માર્યો. આરોપીના મોઢા પર પણ ખૂબ મુક્કા માર્યા. આશ્ચર્યની વાત એ છે કે ત્યાં ઊભેલા લોકો ફક્ત તમાશો જોતા રહ્યા, કોઈએ તે વ્યક્તિને બચાવવાનો પ્રયાસ ન કર્યો.

ખૂબ ધોલાઈ કર્યા બાદ લોકોએ તે વ્યક્તિના હાથ-પગ બાંધી દીધા અને ઝાડ પર ઊંધો લટકાવી દીધો. ગામના લોકો અને મહિલાઓ ત્યાં ઊભા રહીને સંપૂર્ણ ઘટના જોતા રહ્યા. પોલીસના ધ્યાને આ મામલો આવતાં પોલીસે તપાસ કરીને 3 લોકોની ધરપકડ કરી છે.

(6:35 pm IST)