Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કઠુઆકાંડ શરમજનક ઘટનાઃ રાષ્ટ્રપતિ કોવિંદજી

દરેક બાળકને સુરક્ષા - શિક્ષણ આપવા એ પ્રાથમિક ફરજ છેઃ સ્ત્રીઓ - દીકરીઓ સાથે ફરી આવું ન થાય તે આપણા સૌની જવાબદારી છેઃ રાષ્ટ્રપતિ જમ્મુ-કાશ્મીર પહોંચ્યાઃ નાની બાળકી સાથે આટલી ક્રુરતા કલ્પી પણ ન શકાયઃ મેહબુબા મુફતી

જમ્મુ તા. ૧૮ : કાશ્મીર સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી યૂનિવર્સિટીમાં સંબોધન કરતા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી મહબૂબા મુફતીએ કઠુઆ ગેંગરેપને દેશ માટે શરમજનક ઘટના ગણાવી હતી. યૂનિવર્સિટીનાં દીક્ષાંત સમારોહમાં આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, 'હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક બાળકીની ક્રુર હત્યા કરવામાં આવી હતી. આ હત્યા એટલી ક્રુર હતી કે તેની કલ્પના ના કરી શકાય.' તો મેહબૂબા મુફતીએ આ મામલે કહ્યું કે, 'આપણા સમાજમાં જરૂર કંઇક ખરાબ થઇ રહ્યું છે.'

જમ્મુ-કાશ્મીરની એક દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ કોવંદે કહ્યું કે, 'દુનિયામાં સૌથી સુંદર એક માસુમ બાળકનું સ્મિત હોય છે. આપણા બાળકોનું સુરક્ષિત હોવું એ સૌથી મોટી સફળતા છે. દરેક બાળકને સુરક્ષા આપવી અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવું તે કોઇપણ સમાજની પ્રથમ જવાબદારી બને છે. દેશનાં કોઇપણ ખૂણામાં, કયાંકને કયાંક આપણા બાળકો આજે આવી ઘટનાઓનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ આ રાજયમાં એક નિર્દોષ બાળકીની બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી જેની કલ્પનાં ના થઇ શકે.'

વધુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ આવી ઘટના દેશનાં ખૂણામાં થઇ રહી છે તે શરમજનક છે. આપણે વિચારવાની જરૂર છે કે આપણે કેવો સમાજ ઉભો કરી રહ્યા છીએ. આવી કોઇપણ ઘટના કોઇપણ  સ્ત્રી કે દીકરી સાથે ના થાય તેવો માહોલ ઉભો કરવાની જવાબદારી આપણા સૌની છે.'

તો મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ કહ્યું કે, 'કોઇ કઇ રીતે નાની બાળકી સાથે આટલી ક્રુરતા કરી શકે.' ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં એક ૮ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.(૨૧.૨૩)

 

(3:58 pm IST)