Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ચીની યુધ્ધજહાજનું ભારતીય નેવીએ સ્વાગત કર્યું

હિન્દ મહાસાગરમાં ચીનની શૈલીમાં જવાબ આપ્યો

નવી દિલ્હી તા. ૧૮ : ભારત અને ચીનના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી અઘોષિત યુદ્ઘ જેવો માહોલ છે. પછી તે રાજકીય હોય, સરહદ હોય અથવા હિંદ મહાસાગર હોય. ચીન દરેક જગ્યાએ ભારત પર પ્રભુત્વ મેળવવા ઈચ્છે છે. જોકે હવે ભારત પણ ચીનને તેની જ શૈલીમાં જવાબ આપી રહ્યું છે.

મંગળવારે હિંદ મહાસાગરમાં ચીનના ત્રણ યુદ્ઘજહાજોએ પ્રવેશ કર્યો હતો. ભારતીય નેવીએ ચીનના જહાજોનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈને ચીનને પણ આશ્ચર્ય થયું. ગત રોજ જયારે ચીનના ત્રણ યુદ્ઘજહાજ હિંદ મહાસાગરમાં દેખાયા ત્યારે ભારતીય નેવીએ ટ્વીટ કર્યું કે, 'આજે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની ૨૯મી એન્ટિ પાઈરસી એસ્કોર્ટ ફોર્સનું સ્વાગત કર્યું. હેપ્પી હન્ટિંગ.'

આમ તો આ એક સાધારણ ટ્વીટ કહી શકાય. પરંતુ આ ટ્વીટ બિજીંગ માટે એક મોટો સંદેશ હતો. ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસોથી ચીન સતત હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારવા પ્રયાસ કરી રહ્યું છે. ચીનના યુદ્ઘ જહાજોને ભારતીય નેવીએ જે રીતે પકડ્યા તે જોતા સ્પષ્ટ થાય છે કે, ભારતીય નેવી હિંદ મહાસાગરમાં સતર્ક પેટ્રોલિંગ કરી રહી છે.

મહત્વનું છે કે, હિંદ મહાસાગર ઉપરાંત ભારતની જમીની સરહદોમાં પણ અરુણાચલ પ્રદેશ, ડોકલામ અને ઉત્ત્।રાખંડ સરહદે ચીનની સેના અનેકવાર ઘુસણખોરીનો પ્રયાસ કરતું રહ્યું છે. એજ કારણ છે કે, બન્ને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણ તંગ બન્યું છે.(૨૧.૨૪)

(6:07 pm IST)