Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બેંકિંગ સિસ્ટમ રાતોરાત નહિ સુધરેઃ મનમોહન

પૂર્વ વડાપ્રધાને મોદીજીને 'આર્થિક મંત્ર' આપ્યોઃ દલિત, મુસ્લિમ અને મહિલા સુરક્ષા વિશે મનમોહનસિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી તા. ૧૮ : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે, દેશનું બેંકીંગ સેકટર ગંભીર સમસ્યાઓથી ઝઝુમી રહ્યું છે. હાલના પડકારોને જોઇને બેંકિંગ ક્ષેત્રને સંપૂર્ણ રીતે ઓવર હોલિંગની જરૂરીયાત છે. મનમોહનસિંહે કહ્યું કે, બેંકીંગ સુધારને રાતોરાત સુધારી શકાય નહિ. તેમાં લાંબો સમય લાગે છે પરંતુ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરવાની જરૂરીયાત છે કે, તેઓ બેંક કૌભાંડમાં સામેલ લોકોને સજા અપાવે અને તેઓને છોડવામાં આવે નહિ. આ ઉપરાંત તેઓએ સંસદને યોગ્ય રીતે ચલાવા અને પ્રત્યેક અંગમાં કામકાજને સામાન્ય રીતે પૂરા કરવાના પ્રયત્નો કરે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, તેમણે અમુક જરૂરી મુદ્દાઓ વિશે બોલવુ જોઈએ. તેમણે એવું પણ કહ્યું છે કે, પીએમ મોદીએ તે સલાહ માનવી જોઈએ જે તેઓ મને આપતા હતા. કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને ઉન્નાવમાં થયેલી રેપની ઘટના વિશે પીએમ મોદીની ચુપ્પીને ધ્યાનમાં રાખીને પૂર્વ વડાપ્રધાને આ વાત કહી છે.

એક ન્યૂઝ પેપરને ઈન્ટરવ્યુમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું છે કે, બીજેપી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મને મૌન મોહન સિંહ કહેવામાં આવે છે. મે આ પ્રમાણેનું નિવેદન આખી જીંદગી સાંભળ્યું છે. તેથી મને તેની આદત પડી ગઈ છે. પરંતુ મને લાગે છે કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સલાહનું પાલન કરવું જોઈએ, જે તેઓ મને આપતા હતા. અને આ પ્રમાણેના કઠુઆ અને ઉન્નાવ મુદ્દે તેમણે વધારે બોલવું જોઈએ. મે મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે, હું નહતો બોલતો તેથી તેઓ મારી ખૂબ નિંદા કરતા હતા. તો હવે તેઓ કેમ ચૂપ છે. તેમણે પણ આ મુદ્દે કઈક બોલવું જોઈએ.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બીજેપી શાસિત રાજયોની સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે મહિલા સુરક્ષા, મુસ્લિમોની ભીડ દ્વારા હત્યા અને દલિતોને મારવામાં આવતા મારનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, આ વિશે સરકારની આંખો બંધ છે. મનમોહન સિંહે કહ્યું છે કે, લોકો સરકારી સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. તેમને કોઈનો ડર નથી અને વિશ્વાસ છે કે, કશું જ નહીં થાય. કાયદો અને વ્યવસ્થા રાજય સરકારની જવાબદારી હોય છે. બીજેપીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર રાજયોને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કહી શકે છે. જેથી મહિલાઓ, અલ્પસંખ્યકો અને દલિતોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.(૨૧.૨૧)

(2:38 pm IST)