Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મોદીજી, મને સલાહ આપો તેનો અમલ તમે કરોઃ મનમોહનસિંઘ

કઠુઆ-ઉનાવ જેવા કાંડમાં વડાપ્રધાનના મૌન અંગે પૂર્વ વડાપ્રધાનનો ઘા : મોદીજીની ચૂપ્પી પર મનમોહનસિંઘનું નિશાનઃ ભાજપ મને 'મૌનમોહન' કહેતું હવે ખુદની બોલતી બંધઃ પૂર્વ વડાપ્રધાન આક્રમક

નવી દિલ્હી, તા. ૧૮ :. ઉન્નાવ-કઠુઆ કાંડમાં વડાપ્રધાન મોદીજીના મૌન સામે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે બરાબર નિશાન લગાવ્યું છે. ઈન્ડીયન એકસપ્રેસ સાથેની વાતચીતમાં મનમોહનસિંઘે જણાવ્યુ છે કે, ગંભીર મુદ્દાઓમાં ચૂપ રહેવાનો મારા પર આરોપ લગાવીને મોદીજી સહિતના ભાજપના નેતાઓ મને 'મૌનમોહન' કહેતા હતા. ટિપ્પણી કરવા મને સલાહ આપતા હતા. મોદીજીએ મને આપેલી સલાહને ખુદે અનુસરવુ જોઈએ.

મોદીજીએ બળાત્કારની ઘટનાઓ અંગે ખામોશી તોડીને કહ્યુ છે કે, દોષિતોને છોડવામાં નહિ આવે. જો કે, ઘટનાના ઘણા દિવસ બાદ મોદીજીનું આ નિવેદન આવ્યુ હતું. મોદીજીની પ્રારંભિક ચૂપ્પી પર મનમોહનસિંઘે જબ્બર ઘા કર્યો છે.

મનમોહનજી કહે છે કે, મોદીજી અને ભાજપના નેતાઓ મને દરરોજ સલાહ આપતા હતા. મારી આલોચના કરતા હતા. આ સલાહનો અમલ મોદીજીએ ખુદે કરવો જરૂરી છે. જો કે મનમોહનસિંઘે કહ્યું હતુ કે, મોદીજી બળાત્કાર મામલામાં બોલ્યા તેની મને ખુશી પણ છે.

મોદીજીના પ્રારંભિક મૌનથી લોકોને લાગતુ હતુ કે, આરોપીઓ પર કાર્યવાહી નહિ થાય મને લાગે છે કે, આવા કિસ્સાઓમાં આથોરીટીએ તત્કાળ બોલવું જોઈએ, જેથી સમર્થકો સુધી યોગ્ય સંદેશ પહોંચે.

મનમોહનસિંઘે આગળ જણાવ્યુ હતુ કે, કઠુઆકાંડ અંગે કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતી શરૂઆતમાં જ ગંભીર બન્યા હોત તો ઘણું સારૂ થાત. સહયોગી ભાજપે મુખ્યમંત્રી પર ગંભીર ન બનવા દબાણ કર્યુ હશે. આ કારણે ભાજપના પ્રધાનો આરોપીઓના સમર્થનમાં આવ્યા હશે. જો કે પ્રધાનોએ બાદમાં પદ છોડવુ પડયુ હતું.

(12:51 pm IST)