Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વિશ્વ પરિભ્રમણ કરવાનો સમય મળે છે પણ

પીએમ પાસે લોકસભા માટે ૧૫ મિનિટ પણ નથીઃ રાહુલ

કોંગ્રેસના નેતા તેમના મત વિસ્તારની ચિંતા કરેઃ રાહુલ મોદીની સ્પર્ધા પણ કરી શકે તેમ નથીઃ ભાજપ

અમેઠી તા. ૧૮ : સંસદના તાજેતરના બજેટ સત્રના સંપૂર્ણ ધોવાણ માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી આકરી ટીકાનો સામનો કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે વળતો હુમલો કરતાં કહ્યું હતું કે 'વડા પ્રધાનને સતત પરિભ્રમણ કરવાનો સમય મળે છે, પણ તેઓ લોકસભા માટે ૧૫ મિનિટ ફાળવી શકતાં નથી.'

'વડા પ્રધાન સતત પરિભ્રમણ કરી રહ્યા છે, પણ લોકસભામાં ભાષણ આપવા માટે તેમની પાસે ૧૫ મિનિટનો સમય નથી'એમ પોતાના મત વિસ્તારની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.

'૧૫ મિનિટ આપે, તો તેઓ લોકસભામાં ઊભા નહીં રહી શકે'એમ વધુમાં તેમણે જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કરેલી ટીકાની તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું હતું કે, 'કોંગ્રેસી નેતા તેમના મતવિસ્તારની ચિંતા કરે.'

'વડા પ્રધાન લોકસભામાં બોલે તેની વાત છે, ત્યાં સુધી રાહુલ ગાંધી તેમની સ્પર્ધા પણ કરી શકે એમ નથી', એમ ભાજપના રાજય એકમના મહામંત્રી વિજય બહાદુર પાઠકે જણાવ્યું હતું.

'રાહુલ અત્યારે તેમના સંસદીય મત વિસ્તારમાં છે અને ત્યાંના લોકો તેમને આદર્શ ગામની હાલની સ્થિતિ અંગે અને વિકાસલક્ષી યોજનાઓ અંગે પૂછી રહ્યા છે', એમ પાઠકે કહ્યું હતું.'લોકસભાની વાત છે ત્યાં સુધી, બધા એ વાત સારી રીતે જાણે છે કે સંસદમાં મોદીજી કઇ રીતે બોલે છે... જેઓ આ વાતે પ્રશ્ર્નો પૂછી રહ્યા છે તેમણે પોતાની જ આકારણી કરવાની જરૂર છે કે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ ત્યાં (સંસદમાં) કેટલી વાર બેસી શકે છે'એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.(૨૧.૮)

(11:59 am IST)