Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

SC-ST એકટઃ હવે ત્રણ ભાજપી રાજ્ય સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારશેઃ હુકમ પાછો ખેંચવાની માગમાં રાજ્યો કેન્દ્રની પડખેઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હી તા. ૧૮ : ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા શાસિત ત્રણ રાજય - રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ તેમ જ તમિળનાડુ અને કેરળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરના અત્યાચાર રોકવા માટેના ધારાને લગતા સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદાની સમીક્ષા કરતી અરજી કરવાનો નિર્ણય લીધો હતો.

દરમિયાન, ગૃહ મંત્રાલયે દાવો કર્યો હતો કે સર્વોચ્ચ અદાલતનો સંબંધિત ચુકાદો પાછો ખેંચવાની માગમાં રાજય સરકારો કેન્દ્રની સાથે છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહે જણાવ્યું હતું કે અમારી સરકારે સર્વોચ્ચ અદાલતના સંબંધિત આદેશના અમલ માટે પોલીસ વિભાગે બહાર પાડેલા પરિપત્રને રદ કર્યું છે.

ભારતીય જનતા પક્ષના એક નેતાએ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું હતું કે અમે આ રાજયોના મુખ્ય પ્રધાનોની સાથે આ બાબતમાં ચર્ચા કરી હતી અને તેઓની સરકાર સર્વોચ્ચ અદાલતમાં રિવ્યૂ પિટિશન કરશે. દરમિયાન, દલિત સંગઠનો પણ સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે ૨૦મી માર્ચે આપેલા આ ચુકાદામાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરનો અત્યાચાર રોકવા માટેના કાયદાનો દુરુપયોગ ઘણી વખત નિર્દોષ નાગરિકો અને સરકારી કર્મચારીઓને ડરાવવા અથવા તેઓને કાયદેસર કાર્યવાહીમાં ફસાવવા કરાય છે અને તે રોકવું જરૂરી છે.

રામ વિલાસ પાસવાન અને રામદાસ આઠવલે સહિતના અનેક દલિત નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરી હતી.

મોદીએ પણ બાંયધરી આપી હતી કે અમારી સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામેના અત્યાચાર રોકવા માટેના આ કાયદાને હળવો નહિ દે.

તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પલાનિસ્વામીની અધ્યક્ષતામાં મળેલી રાજયના પ્રધાનમંડળની બેઠકમાં સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાની સામે ધા નાખવાનો નિર્ણય લીધો હતો.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર દૃઢપણે માને છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લગતા કાયદાને હળવો કરવો ન જોઇએ. અનેક રાજય આ મામલે કેન્દ્રની પડખે છે.

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના ૨૦મી માર્ચના ચુકાદાની સમીક્ષા કરવા માટે બીજી એપ્રિલે રિવ્યૂ પિટિશન કરી હતી.(૨૧.૮)

 

(11:58 am IST)