Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગૂગલ જેવી કંપનીઓ નથી ઇચ્છતી કે આધાર સફળ થાયઃ UIDAI

આધાર ડેટા લીક થાય તો ચૂંટણી પરિણામ પ્રભાવિત થઇ શકેઃ આ મામલે આંધળુકીયું ન કરી શકાય કારણ કે તે ભવિષ્યને અસર કરે તેમ છેઃ સુપ્રીમ

નવી દિલ્હી તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે આધાર ડેટા લીક થાય તો ચૂંટણીના પરિણામ પર અસર થઈ શકે છે. આધાર નંબરની કાયદેસરતાને પડકારતી ૨૭ અરજીઓ પર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચના એક જજ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે 'ખરી ચિંતા એ છે કે આધારના ડેટા એક દેશની ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે...ચૂંટણી પરિણામ પર અસર કરવા માટે આધાર ડેટાનો ઉપયોગ થાય તો શું લોકતંત્ર ટકી શકે કે કેમ તે પ્રશ્ન છે.'

તાજેતરમાં કેમ્બ્રિજ એનાલિટિકા કંપની દ્વારા ફેસબુકના ડેટાના દુરૂપયોગનું કૌભાંડ બહાર આવ્યું તેને પગલે ડેટાના દુરૂપયોગની ચિંતા વધી ગઈ છે. કોર્ટે આ બાબતને ધ્યાનમાં લઈને કહ્યું હતું કે સમસ્યા માત્ર સૂચક જ નથી, પણ ખરા અર્થમાં ચિંતા છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે ડેટા પ્રોટેકશન અંગે કોઈ કાયદો ન હોવાથી આંધળુકીયું કરીને મંતવ્ય ન આપી શકાય, કારણ કે આ બાબત ભવિષ્ય પર અસર કરે તેવી છે.

ગયા સપ્તાહે કોર્ટે યુઆઈડીએઆઈને પૂછ્યું હતું કે આધાર માટે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લીધા પછી જે-તે એજન્સી તે વિગત કોઈની સાથે શેર કરે છે કે કેમ? જેના જવાબમાં યુઆઈડીએઆઈએ કહ્યું હતું કે જે ક્ષણે ડેટા સબમિટ થાય તે જ ક્ષણે તે એન્ક્રિપ્ટેડ થઈ જાય છે. આથી લીકેજનો કે ડેટા શેર કરવાનો સવાલ જ ઊભો થતો નથી.

યુઆઈડીએઆઈએ બેન્ચ સમક્ષ મંગળવારે કહ્યું હતું કે અરજીઓ કરનારાઓ દલીલ કરી રહ્યા છે કે આધાર કરતાં સ્માર્ટ કાર્ડ વધારે સારા છે. તેમને સ્માર્ટ કાર્ડ બરાબર લાગે છે કારણ કે ગૂગલ જેવી કંપનીઓ આધાર સફળ થાય તેમ નથી ઈચ્છતી. આધાર અંગે જે પ્રકારે આશંકા વ્યકત થઈ રહી છે તે અંગે એજન્સીએ કહ્યું કે આધાર ડેટા કંઈ એટમ બોમ્બ નથી.(૨૧.૫)

(11:57 am IST)