Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કઠુઆ રેપ-મર્ડરઃ દેશભરમાં આક્રોશ ચરમસીમાએ

યુનોના મહાસચિવ ગુટેરેસ ચિંતા દર્શાવે છેઃ કઠુઆ રેપ-હત્યા ભયાવહઃ દોષિતોને સજા મળે તેવી ઉમ્મીદઃ બારામુલ્લામાં ટીયરગેસ-વોટર કેનનનો મારોઃ મુંબઈમાં વિદ્યાર્થી રેલીઃ દિલ્હીના લોકોએ ભાજપ સરકારને ઝાટકીઃ બાળકો રેલીમાં જોડાયાઃ બ્રિટીશ સંસદમાં પાક મૂળના સાંસદે પ્રશ્ન ઉઠાવી દરમિયાનગીરી માંગીઃ આરોપીઓ કહે છે અમારો નાર્કો ટેસ્ટ કરાવો - અમને ફસાવ્યા છેઃ આજે લંડનમાં નરેન્દ્રભાઇ સામે ડાઉન સ્ટ્રીટમાં વિરોધ દેખાવો થવા સંભાવના : ન્યુઝ હન્ટ- બ્લાસ્ટ ન્યૂઝના હેવાલોએ જબરો રોષ સર્જયો : પોસ્ટમોર્ટમ રીપોર્ટની વિગતો અંગે અસમંજસ : ત્વરિત ન્યાય માટે દેશભરની લાગણી

નવી દિલ્હી, તા. ૧૮ :  જમ્મુના કઠુઆ ખાતે ૮ વર્ષની આસીફા ઉપર મહાભયાનક હેવાનીયત ગુજારી હત્યા કરવાના બનાવ  દેશભરને જ નહિ યુનોને પણ હચમચાવી દીધેલ છે. સંયુકત રાષ્ટ્ર સંઘ(યુનો) ના મહામંત્રી એન્ટોનીયો ગુટેરેસે ૮ વર્ષની બાળકી સાથે વારંવાર સામુહિક દુષ્કર્મ કર્યા પછી હત્યા કરવાની ઘટનાને ભયાવહ બનાવ તરીકે વર્ણવેલ અને આશા દર્શાવી છે કે દોષિતોને સજા મળશે.

દરમિયાન ''ન્યુઝ હન્ટ'' નામની વિવિધ વેબસાઇટના લેટેસ્ટ ન્યૂઝ આપતી, લાખો લોકોએ, અખબારોએ ડાઉનલોડ કરેલ ''એપ''માં ''બ્લાસ્ટન્યુઝડોટઇન'' વેબસાઇટના સમાચાર  છે. જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બે પોસ્ટમોર્ટમ રીપોર્ટની વાત આવે છે પરંતુ આ પીએમ રીપોર્ટ ઉપલબ્ધ નથી થયા તેવી પણ ચર્ચા છે. આ વેબસાઇટે પીએમ રીપોર્ટમાં રેપ નહીં હોવાની અને આસીફાની હત્યા કરી મંદિરમાં મૃતદેહ નખાયાની વાતો વિસ્તારથી લખી છે જેના કોઇ આધાર પુરાવા આ વેબસાઇટે આપ્યા ન હોય લોકોમાં આ હેવાલ અંગે ભારે શંકા-કુશંકા સાથે જબરો રોષ ફેલાયો હતો. અકિલામાં આ વેબસાઇટના હેવાલનો અછડતો ઉલલેખ એક સમાચાર દ્વારા કરાયેલ જે અંગે અનેક લોકોએ ફોન કરી નારાજગી -રોષ દર્શાવેલ અને પૂરી ખરાઇ સાથે હેવાલો પ્રસિધ્ધ કરવા ખખડાવી નાખેલ.

અકિલાએ ન્યુઝ હન્ટ એપ અને આ વેબસાઇટની તમામ વિગતો, લીન્ક સાથે પ્રસિધ્ધ કર્યા હતા. અકિલાનો હેતુ લોકોને વધુમાં વધુ લેટેસ્ટ સમાચારો આપવાનો જ હોય છે, નરાધમોને છાવરવાના બિલકુલ ન હોય આમ છતાં વાંચક મિત્રોની નારાજગી-રોષ અમે સમજી શકીએ છીએ અને જે કોઇને દુઃખ થયું હોય, લાગણી દુભાઇ હોય તો અમને તેનો ઊંડો ખેદ છે.

દરમિયાન કઠુઆ (જમ્મુ) દુષ્કર્મનો ભોગ બનેલ આસીફાની માતા કહે છે કે હું તેને ડોકટર બનાવવા માગતી હતી પરંતુ હવે મારી એક માત્ર ઇચ્છા છે કે દોષિતોને ફાંસીના ફંદા ઉપર લટકાવી દેવામાં આવે.

કઠુઆ-ઉન્નાવ દુષ્કર્મ બનાવો વિરૂદ્ધમાં દિલ્હીમાં સેંકડો લોકોએ 'નોટ ઇન માય નેમ' બેનર હેઠળ પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે વિરોધ પ્રદર્શન કરી રોષ દર્શાવ્યો હતો.

મુંબઇના વિદ્યાર્થીઓ એસઆઇ ઓઆઇ મેમ્બરોએ કઠુઆ-ઉન્નાવ પિડીતાને ન્યાય અને દોષિતોને ફાંસી આપવા માંગ સાથે વિશાળ રેલી યોજી હતી.

જન્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આ પ્રશ્ને વિરોધ દર્શાવી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા પોલીસે  ટીયરગેસ-વોટર કેનનથી મારો ચલાવેલ.

તો પાકિસ્તાન મૂળના બ્રિટીશ સાંસદ લોર્ડ અહમદ ઉર્ફે નઝીર અહમદે બ્રિટીશ સરકાર આ બાબતે દરમિયાનગીરી કરે તેવી બ્રિટીશ સંસદમાં માંગ ઉઠાવી હતી.

આજે લંડન પહોંચી રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે લંડનમાં ૧૮ ડાઉન સ્ટ્રીટ ખાતે વિરોધ પ્રદર્શનો થવાની પુરી સંભાવના છે.

જેમા સાઉથ એશીયા સોલીકેટરે ગ્રુપ, કાસ્ટ વોચ યુકે, બ્રિટીશ વુમન ઓર્ગેનાઈઝેશન અને ૫૦ થી વધુ કાર્યકર્તા - શિક્ષણ વિદ્દો એક પત્ર જાહેર કરવાના હોવાનું પ્રસિદ્ધ થયુ છે.

કઠુઆ અને ઉન્નાવની ભયાનક ઘટનાઓથી દેશ આખો સ્તબ્ધ છે, રોષિત છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ સર્જાય નહિ તે માટે આકરા પગલા લેવાય તેવી આશા રાખી રહ્યો છે.

દરમિયાન બરેલી અને પીલીભીતમાં પણ કઠુઆ અને ઉન્નાવ બળાત્કારીઓને દેહાંત દંડની માગણી સાથે મહિલાઓએ વિરોધ દેખાવો કર્યા હતા અને વિના વિલંબે બળાત્કારીઓને દેહાંત દંડ આપવા અને જો કાયદો સજા ન આપી શકતો હોય તો તેમના હવાલે સોંપી દેવા માગણી કરી હતી.(૯.ર)

(11:52 am IST)