Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આઈપીએલમાં વ્યસ્ત મોહમ્મ્દ શમીની મુશ્કેલી વધી કોલકાતા પોલીસે હાજર થવા કહ્યું :કરશે પૂછપરછ

 

કોલકાતા :આઈપીએલમાં વ્યસ્ત મોહમ્મદ શમી રવિવારે કોલકાતા પહોંચ્યો હતો. સોમવારે ઈડનગાર્ડનમાં દિલ્હી અને કેકેઆર વચ્ચે મેચ રમાઈ હતી. હવે મંગળવારે કોલકાતા પોલીસ ટીમે તેને નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવ્યો છે.કોલકાતા પોલીસની ટીમે તેને નોટિસ આપીને બુધવારે બપોરે 2.00 કલાકે પૂછપરછ માટે લાલ બજારમાં આવવાનું કહ્યું છે.

 

 પોલીસ કમિશનર ક્રાઈમ પ્રવિણ ત્રિપાઠીએ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે બુધવારે બપોરે 2.00 કલાકે શમીને કોલકાતા પોલીસ સામે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

  નોંધનીય છે કે કોલકાતા પોલીસે તેની પત્ની હસીન જહાં પર કથિત દુષ્કર્મ મામલે તેના મોટા ભાઈ મોહમ્મદ હશીમ અહમદને પૂછપરછ માટે બુધવારે લાલ બજારમાં બોલાવ્યો છે. તેના મોટા ભાઈને નોટિસ મોકલાવાઈ છે. જેમાં જણાવાયું છે કે આગામી પૂછપરછ માટે 18 એપ્રિલ એટલે કે કાલે લાલબજારમાં હાજર રહેવું પડશે. જો તેઓ આવશે તો તેમની પૂછપરછ કરીને નિવેદન રેકોર્ડ કરવામાં આવશે. કથિત દુષ્કર્મ અને અન્ય આરોપોની તપાસ વચ્ચે શમીના મોટાભાઈ અને શમીનું નિવેદન મહત્વનું રહેશે.

  નોંધનીય છે કે ગત 17 માર્ચના રોજ કોલકાતા પોલીસની ટીમે અમરોહા સ્થિત શમીના ગામમાં ધામા નાખ્યાં હતાં. જ્યાં તેમણે એક અઠવાડિયું રહીને તપાસ કરી હતી. દરમિયાન શમીના મામા સહિત તેના પડોશીઓ અને એક નર્સિંગ હોમની નર્સ તેમજ ડોક્ટર્સ સહિત 11 લોકોનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. શમીના મોટાભાઈનો એક ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો છે. જેમાં તેના વિરૂદ્ધ મારપીટનો એક કેસ છે. જોકે, મામલે તેને જામીન મળી ચૂક્યા છે.

   એવું માનવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન શમી અને તેના ભાઈનું નિવેદન અત્યંત મહત્વનું રહેશે. જે પોલીસે તેના ઘરે રહી તથ્યોની તપાસ કરી છે. તેની સાથે સરખાવવામાં આવશે. નોંધનીય છે કે હસીન જહાંએ શમી ઉપરાંત તેના મોટા ભાઈ મોહમ્મદ હાશીમ અહેમદ, તેની પત્ની સમા પરવીન, બહેન સબીના અંજુમ અને મા અંજુમન આરા બેગમ વિરૂદ્ધ માનસિક અને શારીરિક ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો છે.

(12:00 am IST)