Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નારદીપુર ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ગાંધીનગર જિલ્લાના ૮ કરોડ ૩૦ લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાયું

આપણા ગામનો વિકાસ એ આપણી જવાબદારી છે, સાંસદ સભ્ય કે ઘારાસભ્ય માત્ર મદદ કરી શકે છે : સરકારની યોજનાઓના લાભથી ગામનો કોઇપણ હકદાર લાભાર્થી બાકી ન રહે તેવું આયોજન કરવા નારદીપુર ગ્રામજનોને હાકલ કરતા કેન્દ્રીય મંત્રી:સરકાર એકલી કશું જ ના કરી શકે, લોકો સરકાર સાથે જોડાય તો કશું બાકી ન રહે

ગાંધીનગર :આપણા ગામનો વિકાસ એ આપણી જવાબદારી છે, સાંસદસભ્ય કે ઘારાસભ્ય માત્ર મદદ કરી શકે છે. નારદીપુર ગામનો વિકાસ કરવા વડીલોના માર્ગદર્શન હેઠળ એક યુવાનોની ટીમ બને. સરકારની યોજનાઓના લાભથી ગામનો કોઇપણ હકદાર લાભાર્થી બાકી ન રહે તેવું આયોજન કરવા નારદીપુર ગ્રામજનોને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

  નારદીપુર ગામના નવનિર્મિત શ્રી હનુમાન તળાવ ઉધાનનું લોકાર્પણ કરીને કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, નારદીપુર ગામમાં રૂ. ૪ કરોડથી વઘુના ખર્ચે અને વાસણ ગામમાં રૂ. ૧ કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા તળાવને સાચવાની જવાબદારી હવે, ગામના નવયુવાનોની છે. આ જાળવણી એવી રીતે કરવી જોઇએ કે આગામી ૨૫ થી ૩૦ વર્ષ સુઘી કોઇ સાંસદને આ તળાવ નવું બનાવવાની ચિંતા કરવાની જરૂર ન પડે. ગામના વિકાસ કાર્યોમાં અને યોજનાકીય લાભો ગામના લોકોને અપાવા માટે નવ જુવાનિયાઓને અઠવાડિયામાં માત્ર બે કલાક ફાળવવાની જરૂર છે. ગામના નાગરિકોને સરકારી યોજનાકીય લાભ અપાવાનું કામ આંગણી ચિંઘાના પૂણ્ય જેવું કાર્ય છે. આ કામમાં મારી કે ઘારાસભ્યની જરૂર પડે તો ભેગા થઇ ટહુકો કરજો, તે કામ પતાવવાની જવાબદારી મારી રહેશે.
આ ગામમાં રાજયની સૌથી પહેલી પી.ટી.સી. કોલેજ બની છે, તેવું કહી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, ગામની લાયબ્રેરીને અધતન બનાવો, કોમ્યુટરની સુવિઘા ઉભી કરો અને સાથે ગામના ગરીબ પરિવારના બાળકો ત્યાં બેસી નિરાંતે વાંચી શકે તેવી સુવિઘા ઉપલબ્ઘ કરાવવા ગામના યુવાનોને હાંકલ કરી હતી. આગામી ત્રણ માસ સુઘી ગામમાં અઠવાડિયામાં એક વખત વિવિઘ યોજના સંબંઘિત કચેરીના અધિકારીઓ ગામમાં આવશે. પરંતુ તેમને સાચા લાભાર્થીઓ સાથેની મુલાકાત કરી આપવાની જવાબદારી ગામના જુવાનિયાઓને ઉઠાવવા આગ્રહ કર્યો હતો.
સરકાર એકલી કશું જ ના કરી શકે, લોકો સરકાર સાથે જોડાય તો કશું બાકી ન રહે, તેવું કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, ગામના વિકાસ કામોને સતત ઘબકતા રાખવા લોકોએ સતત ચિંતન કરવું જોઇએ અને ઘારાસભ્યના સંપર્ક રહેવું જોઇએ. તેમજ મારી જરૂર પડે તો મને પત્ર લખશો તો પણ હું આપને મદદ કરીશ, તેવું કહી જણાવ્યું હતું કે, ગામ એકજૂથ હશે અને એક્ટિવ હશે તો અનેક ઝઘડાઓ અને સમસ્યાઓના સુખદ ઉકેલ આવશે. તેમણે નારદીપુર ગામના ગ્રામજનોને તળાવની યોગ્ય જાળવણી કરવા પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેટકર પ્રવિણા ડી.કે. એ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કલોલના ઘારાસભ્ય  લક્ષ્મણજી ઠાકોરે પ્રરેણાદાયી ઉદ્દબોઘન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે નારદીપુર ગામના શ્રી હનુમાન તળાવ ઉદ્યાનના નવીનીકરણ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાસણ ગામના તળાવનું ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ નારદીપુર ગામના તળાવનું લોકાર્પણ કરીને શ્રી હનુમાનજી તળાવ ઉઘાનની મુલાકાત લીઘી હતી. વાસણ ગામના તળાવનું બ્યુટિફિકેશનનું કામ રૂપિયા ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. આ કામથી વાસણ ગામના તળાવનું ક્ષેત્રેફળ હાલમાં ૧૩,૨૯૭ ચો.મીટર છે. જે વઘીને હવે, ૧૭,૧૯૨ ચો.મીટર થઇ ગયું છે. નારદીપુર ગામ ખાતે રૂપિયા ૪ કરોડ ૩૩ લાખથી વઘુના ખર્ચે ૭૨ હેકટર ક્ષેત્રફળમાં ફેલાયેલાં તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં  આજના દિવસમાં રૂપિયા ૮ કરોડ ૩૦ લાખથી વઘુના વિવિઘ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા ૭ કરોડથી વઘુના ૪૯ કામોનું કેન્દ્રીય મંત્રી શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રુપિયા ૧ કરોડ ૨૩ લાખના ખર્ચે તૈયાર થનાર જનસુખાકારીના ૩ વિકાસ કામોનું ખાતમુહર્ત પણ કરાયું હતું.
   આજે કલોલ તાલુકા છત્રાલ, ગોલથરા, વાંસજડા(ક), જાસપુર, સઇજ, ઇસંડ, મોખાસણ, ઉનાલી, કારોલી, કાંઠા, પલોડિયા, ભોયણમોટી, મુલસણા, ભાઉપુરા, પાનસર, ભીમાસણ, નાસ્મેદ, ગણપતપુરા, વડાસ્વામી, નવા અને ઘેઘું ગામના પેવર બ્લોક, એપ્રોચ રસ્તા, ગટરલાઇન, પાણીની પાઇપલાઇન, સી.સી.રોડ, ગંદા પાણીની નિકાલની લાઇન જેવા વિવિઘ વિકાસ કામોનું ઇ લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
   આ કાર્યક્રમમાં  ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર (દ)ના ઘારાસભ્ય અલ્પેશભાઇ ઠાકોર, દહેગામના ઘારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, માણસાના ઘારાસભ્ય જયંતિભાઇ પટેલ, કલોલના ઘારાસભ્ય બકાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ,ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, નિવાસ અધિક કલેકટર ભરત જોષી અને નારદીપુર ગામ તથા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા

(7:25 pm IST)