Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

ઓકટોબરથી ૧૫ વર્ષ જુના વાહનોનું RC રિન્યુઅલ આઠ ગણુ મોઘું

માર્ગ- પરિવહન મંત્રાલયે આ વધારા સંબંધે એક ડ્રાફટ નોટીફીકેશન જારી કર્યુ : કારની RC રિન્યુઅલ માટે હવે રૂ.૫૦૦૦ દેવા પડશેઃ બાઇક માટે રૂ.૩૦૦ને બદલે રૂ.૧૦૦૦: બસ-ટ્રકને ફીટનેશ રિન્યુઅલ સર્ટીફીકેટ મેળવવાનું ૨૧ ગણું મોંઘુઃ દેવા પડશે રૂ.૧૨૫૦૦

નવી દિલ્હી, તા.૧૮: જો તમારી પાસે ૧૫ વર્ષ જૂની કાર અથવા અન્ય કોઈ વાહન છે, તો તમારે ઓકટોબરથી આવા વાહનોની RC રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ વધારાને લઈને માર્ગ અને પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. કારના RC રિન્યૂ માટે તમારે ૫૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તેમજ બાઇક માટે તમારે વર્તમાન ૩૦૦ રૂપિયાને બદલે ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. સૌથી વધુ અસર બસ અને ટ્રક ઓપરેટરોને થશે. ૧૫ વર્ષની જૂની બસ અથવા ટ્રક માટે RC રિન્યૂ કરીને મેળવવાનું તેમના માટે ૨૧ ગણા વધુ ખર્ચાળ હશે. હવે આ માટે તેમને ૧૨,૫૦૦ રૂપિયા ચુકવવા પડશે.

આ ફેરફારો જૂના વાહનો માટેની સ્ક્રેપિંગ નીતિ હેઠળ કરવામાં આવી રહ્યા છે. આ દરખાસ્ત મુજબ વાહનના રજિસ્ટ્રેશન રિન્યૂઅલમાં વિલંબ થવાને કારણે દર મહિને ૩૦૦ થી ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. બીજી તરફ કોમર્શિયલ વાહનોનું ફિટેનસ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થતાં, દરરોજ ૫૦ રૂપિયા દંડ થશે.

મોટરસાયકલ માટે રજિસ્ટ્રેશન ફી ૩૦૦ રૂપિયા અને રિન્યુઅલ ફી ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. એ જ રીતે, થ્રી વ્હીલર્સ માટે રજિસ્ટ્રેશન ફી ૬૦૦ રૂપિયા અને રિન્યૂઅલ દર ૨૫૦૦ રૂપિયા છે. જયારે કારની રજિસ્ટ્રેશન ફી ૬૦૦ રૂપિયા છે અને તેની રિન્યૂઅલ ફી ૫૦૦૦ રૂપિયા હશે. તેવી જ રીતે, આયાતી વાહનો બસ અને ટ્રકની રજિસ્ટ્રેશન માટેની ફી ૫૦૦૦ રૂપિયા છે અને તેના રિન્યૂઅલ માટેની ફી ૪૦૦૦૦ રૂપિયા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે.

જયાં સુધી વ્યાપારી વાહનોની વાત છે. મોટરસાઇકલ માટે નવા ફિટનેસ સર્ટિફિકેટની કિંમત ૫૦૦ રૂપિયા હશે, જયારે આરસી રિન્યૂઅલનો માટે ૧૦૦૦ રૂપિયા ખર્ચ થશે. થ્રી વ્હીલરના કિસ્સામાં, નવું ફીટનેસ સર્ટિફિકેટ ૧૦૦૦ રૂપિયામાં બનાવવામાં આવશે, જયારે સર્ટિફિકેટ રિન્યુઅલ માટે ૩૫૦૦ રૂપિયા ખર્ચ થશે.

ટેકસી અથવા કેબના કિસ્સામાં નવું ફીટનેસ સર્ટિફિકેટ ૧૦૦૦ રૂપિયામાં બનાવવામાં આવશે, જયારે આરસી રિન્યૂઅલ માટે ૭૦૦૦ રૂપિયા ખર્ચ થશે. મીડિયમ ગુડ્ઝ અથવા પેસેન્જર વ્હિકલના કિસ્સામાં નવું ફીટનેસ સર્ટિફિકેટ ૧૩૦૦ રૂપિયામાં બનાવવામાં આવશે, જયારે આરસી રિન્યુઅલ કરવા માટે ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચ થશે. તેવી જ રીતે બસ અથવા ટ્રક માટે નવું ફીટનેસ સર્ટિફિકેટ ૧૫૦૦ રૂપિયામાં બનાવવામાં આવશે, જયારે તેને રિન્યુઅલ કરવાની કિંમત ૧૨૫૦૦ રૂપિયા ચૂકવવી પડશે.

(3:02 pm IST)