Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

કોરોના સીઝનલ બિમારી બની શકે છેઃ વર્ષો સુધી ખતરો રહેશે

યુનોના વૈજ્ઞાનિકોએ આપી ચેતવણીઃ સીઝનલ બિમારી સ્વરૂપે કોરોના પરેશાન કરતો રહેશે

નવી દિલ્હી, તા. ૧૮ :. ભારત જ નહિ વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરનો ખતરો ઉભો થયો છે. દરેક દેશ કોરોનાને કાબુમાં લેવા તનતોડ પ્રસાય કરે છે ત્યારે યુનો તરફથી જણાવાયુ છે કે કોરોના વાયરસ ટૂંક સમયમાં જ મોસમી બિમારી (સીઝનલ બીમારી)નું સ્વરૂપ લઈ શકે છે. ચીનમાં સૌ પહેલા કોરોના વાયરસનો કેસ મળ્યાના એક વર્ષ બાદ પણ આ બિમારીના રહસ્યને વૈજ્ઞાનિકો ઉકેલી નથી શકયા.

કોરોના વાયરસથી વિશ્વભરમાં ૨૭ લાખથી વધુ લોકોના મોત થયા છે.

કોરોના વાયરસ પર અભ્યાસ કરી રહેલા નિષ્ણાંતોની ટીમે કોવિડના પ્રસાર પર માહિતી મેળવવા માટે મોસમ વિજ્ઞાન અને વાયુ ગુણવત્તાનો અભ્યાસ કર્યો અને તેમાથી થનાર પ્રભાવોની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે કોરોના વાયરસ હવે સીઝનલ બિમારીની જેમ આવતા કેટલાક વર્ષો સુધી આ પ્રકારે પરેશાન કરતો રહેશે.

સંયુકત રાષ્ટ્રના વિશ્વ મોસમ સંગઠન દ્વારા રચવામાં આવેલ ૧૬ સભ્યોની ટીમે જણાવ્યુ કે સ્વાસ્થ્ય સંબંધી સંક્રમણ કાયમ મોસમી હોય છે. કોરોના વાયરસ પણ સીઝન અને તાપમાન અનુસાર પોતાની અસર બતાડશે. વૈજ્ઞાનિકોની ટીમે કહ્યુ હતુ કે અત્યાર સુધી કોરોનાને કાબુમાં લેવા માટે જે પ્રકારે પ્રયાસો કરવામાં આવ્યા છે તેના પર પાણી ફરતુ દેખાય રહ્યુ છે. જો એ વર્ષો સુધી આ પ્રકારે કાયમ રહે તો કોવિડ-૧૯ એક મજબુત સીઝનલ બિમારી બનીને બહાર આવશે.

(10:14 am IST)