Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

ફાટેલાં જિન્સ પહેરી નિકળતી મહિલાઓ, એ કેવા સંસ્કાર

અચાનક મુખ્યમંત્રી બન્યા બાદથી મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત ચર્ચામાં : બાળકોના સંસ્કાર માતા-પિતા પર નિર્ભર છે : મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત

નવી દિલ્હી, તા. ૧૭ : ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સતત ચર્ચામાં રહે છે. પહેલાં તેઓ અચાનક મુખ્યમંત્રી બની ચર્ચામાં રહ્યાં, જે બાદ રાવત પોતાના નિવેદનનોને કારણે ચર્ચામાં છે. હવે તીરથ સિંહ રાવતે કહ્યું કે, આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરીને નીકળે છે, શું આ યોગ્ય છે. આ કેવા સંસ્કાર છે.

બાળ અધિકાર સંરક્ષણ આયોગની એક કચેરીના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે, બાળકોના સંસ્કાર તેમના માત-પિતા પર નિર્ભર છે. સાથે જ તેમણે કહ્યું કે, જ્યારે તેઓ વિમાનમાં જઇ રહ્યાં હતાં ત્યારે તેમણે જોયું કે એક મહિલા તેના બે બાળકો પાસે બેસેલી હતી. તે ફાટેલું જીન્સ પહેરીને બેસેલી હતી. મેં તેમને પૂછ્યું કે, બહેનજી ક્યાં જવાનું છે, તો મહિલાએ જવાબ આપ્યો કે દિલ્હી. તેમનો પતિ જેએનયુમાં પ્રોફેસર છે અને તે પોતે એનજીઓ ચલાવે છે.

તેમણે આગળ કહ્યું કે, મેં વિચાર્યું કે જે મહિલા પોતે એનજીઓ ચાલવે છે અને ફાટેલું જીન્સ પહેરે છે તે સમાજમાં શું સંસ્કૃતિ ફેલાવતી હશે. સાથે જ તેમણે કહ્યું કે, યુવાઓમાં નશાની પ્રવૃત્તિ વધતી જઇ રહી છે. વિકૃત્તિઓથી બાળકોને બચાવવા માટે તેમને સંસ્કારવાળા બનાવવા પડશે. આપણે પશ્ચિમી સભ્યતાથી પ્રભાવિત થવું ન જોઇએ. સંસ્કારી બાળકો જીવનના કોઇ પણ ક્ષેત્રમાં નિષ્ફળ નહીં થાય. નશા મુક્તિ માટે ચલાવવામાં આવતાં અભિયાનમાં માત્ર સરકારના પ્રયાસોની સાથે સામાજિક સંગઠનો, સંસ્થાઓ અને સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે.

(12:00 am IST)