Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પાકિસ્તાન : બળજબરીથી ધર્માન્તરણ પ્રક્રિયા જારી છે

દર વર્ષે ૧૦૦૦નું ધર્માન્તરણ કરાય છે : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં તો આ પ્રક્રિયા સામાન્ય બની

નવી દિલ્હી,તા. ૧૮ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુ બહેનોનુ અપહરણ કરવામાં આવ્યા બાદ તેમને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાડવાની ઘટના સપાટી પર આવ્યા બાદ તેને લઇને હોબાળો મચેલો છે. આવી સ્થિતીમાં કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતમાં આ પ્રકારની ઘટનાઓ તો સામાન્ય છે અને બનતી રહે છે.  પાકિસ્તાન માનવ અધિકાર પંચના પૂર્વ વાઇસ ચેરમેન અમરનાથનું કહેવું છે કે, દેશમાં દર મહિને ધર્માન્તરણની પ્રક્રિયા ચાલતી રહે છે. પાકિસ્તાને મહિલાઓની સામે ભેદભાવને રોકવા માટે અને તેમને અધિકાર આપવા માટે આંતરરાષ્ટ્રીય સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. તેના આર્ટિકલ ૧૬માં સાફ શબ્દોમાં મહિલાઓને એવો અધિકાર અપાયો છે કે તેના લગ્ન એ વખતે જ થઇ શકે છે જ્યારે તે પૂર્ણરીતે સહમત હોય. પાકિસ્તાને ચાઇલ્ડ રાઇટ કન્વેશનને લાગૂ કરીને પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે જેની કલમ ૧૪(૧)માં કહેવામાં આવ્યું છે કે, તમામ બાબતોને તમામ સ્વતંત્રતા રહેલી છે. તમામને બાળકોના ધર્મની સ્વતંત્રતાના અધિકાર એક સમાન મળેલા છે. સિંધમાં ફેબ્રુઆરી ૨૦૧૩માં તમામ પ્રદર્શનો છતાં બળજબરીપૂર્વક ધર્માન્તરણ અને લગ્નને રોકવા માટે કમિટિની રચના કરવામાં આવી હતી. કેટલીક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી હતી. ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય હાઈકમિશનના અધિકારીઓના કહેવા મુજબ સિંધ પ્રાંતમાં બળજબરીપૂર્વક ધર્માન્તરણની બાબત સામાન્ય બની ચુકી છે. બે હિન્દુ બહેનોનું અપહરણ કરી  બળજબરીપૂર્વક લગ્ન કરવાને લઇને વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થતાં પાકિસ્તાનની વિશ્વભરમાં ટિકા થઇ રહી છે. ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને એક નોંધ મોકલી છે. પાકિસ્તાનમાં પ્રભાવ ધરાવતા લોકો હિન્દુ યુવતિઓનુ અપહરણ કરી લે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક લગ્ન પણ કરી નાંખે છે. તેમને ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાડે છે. પાકિસ્તાનમાં દર વર્ષે ૧૦૦૦ હિન્દુનુ ધર્માન્તરણ કરી દેવામાં આવે છે.પાકિસ્તાનમાં દર વર્ષે ૨૦ કરતા વધારે હિન્દુ યુવતિઓનુ અપહરણ કરી લેવામાં આવે છે. તેમને ધર્મ બદલી નાંખવાની ફરજ પાડવામાં આવે છે. સિંધમાં આ પ્રકારની ગતિવિધી વધારે ચાલે છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુ બહેનોનું અપહરણ કરીને બળજબરીપૂર્વક લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરાવી દેવાના મામલામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જોરદાર દબાણ બાદ તપાસનો આદેશ કરી દીધો છે. ભારત તરફથી જોરદાર દબાણ લાવવામાં આવ્યા બાદ ઈમરાનખાને તરત જ તપાસનો આદેશ કરી દીધો છે.

 બે ટીનેજ હિન્દુ યુવતીઓના ધર્માંતરણને લઈને ભારે હોબાળો થઈ ગયો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ આજે આ મુજબની માહિતી આપી હતી. પાકિસ્તાનમાં ધર્માન્તરણની પ્રક્રિયાના કારણે હિન્દુ સમુદાયના લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઇ છે.

(3:40 pm IST)