Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કલમ ૩૭૦ અને સીએએના નિર્ણયને રદ કરવાનું દબાણ કોણ કરે છે ? ; મુદ્દા પર ધૂળ ના ઉડાડો : હોબાળો મચાવવાની જરૂર નથી : શિવસેના

સામનામાં લખ્યું વડાપ્રધાનને પોતાના વચનોને પૂરા કરવા અંગે કોઈ દબાણ કરી રહ્યું છે તો અમને જણાવે

મુંબઈ : શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્રારા ફરી એકવાર કેન્દ્ર સરકારને નાગરિકતા કાયદા, કાશ્મીર, કલમ ૩૭૦, કાશ્મીરી પંડિતો અને પીએમ મોદીના વારાણસી પ્રવાસને લઈને આડે હાથ લીધી છે. સામનામાં કહેવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં સીએએ અને કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવાનો જે અમારો નિર્ણય છે તે અમે રદ કરીશુ નહીં. એટલે સુધી કે દિલ્હી ચૂંટણી માટે પણ ભાજપના પ્રચારનો આ જ મુદ્દો હતો. પરંતુ તે ચાલ્યા નહીં. ઉલ્ટું એ થયું કે દિલ્હીમાં લોકોએ આ પ્રચારને નિષ્પ્રભાવ કર્યેા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પણ આ જ ભાષણ આપ્યું. વારાણસીમાં આ ભાષણ ચાલી શકે કારણ કે વારાણસીનો માહોલ અલગ છે.

સામનામાં આગળ કહેવાયું કે સવાલ ફકત એટલો છે કે વડાપ્રધાન પર કલમ ૩૭૦ અને સીએએના નિર્ણયને રદ કરવાનું દબાણ કોણ નાખી રહ્યું છે? વડાપ્રધાન અને ભાજપે એ સ્પષ્ટ્ર કરવું જોઈએ, આ મુદ્દા પર ધૂળ ન ઉડાવો. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી એ દેશહિતમાં છે. તેના પર હોબાળો મચાવવાની જર નથી.

સામનામાં આગળ લખ્યું છે કે કેટલાક લોકો કહે છે કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને કાશ્મીરને ફરીથી ભારત જોડે જોડી દેવાયું છે. પરંતુ આમ કહેવું ખોટું છે. આપણા વીર સૈનિકોના શૌર્યના કારણે, આ ભૂભાગ હંમેશા હિન્દુસ્તાનનો હતો અને હંમેશા રહેશે. કાશ્મીરી પંડિતોને લઈને સામનામાં કહેવાયું છે કે કલમ ૩૭૦ હટાવ્યા બાદ પણ કાશ્મીરી પંડિતોનું અત્યાર સુધી શું થયું? કેટલા કાશ્મીરી પંડિતોની અત્યાર સુધીમાં ઘર વાપસી થઈ?

 

સામનામાં કહેવાયું છે કે વડાપ્રધાન પાસે યારે આ સવાલોના જવાબ માંગવામાં આવે છે તો તેઓ કહે છે કે અમે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય પાછો નહીં લઈએ. અમે કહીએ છીએ કે નિર્ણય પાછો ન લો પરંતુ ઓછામાં ઓછું શબ્દોની રમતમાં ગૂંચવાડો તો ઊભો ન કરો. હાલ વડાપ્રધાનને પોતાના વચનોને પૂરા કરવા અંગે કોઈ દબાણ કરી રહ્યું છે તો અમને જણાવે.

સંપાદકીયમાં લખ્યું છે કે હવે વાત નાગરિકતા કાયદાની કરીએ તો તેને લઈને નાગરિકોના મનમાં જે શંકા છે તે પણ દૂર કરી દેવામાં આવે તો આ મામલો ઠંડો પડી જશે. ગેરકાયદે ઘૂસણખોરો પર નિશાન સાધતા સામનામાં લખાયું છે કે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની ઘૂસણખોરોને લાત મારીને દેશમાંથી બહાર કાઢવા જોઈએ. તેના પર દેશ એકમત છે અને આવો નિર્ણય લેવો એ સરકારનું કર્તવ્ય છે. અમાં બસ એટલું જ કહેવું છે કે સરકાર કામ કરે અને બોલવાનું બધં કરે. દિલ્હીમાં આ બધુ કામ આવ્યું નથી.

(11:40 am IST)