Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જુની પેન્શન યોજનાને પસંદ કરવાનો મળશે મોકો

વિવિધ વિભાગોમાં સેવારત મોટી સંખ્યામાં કર્મચારીઓને મોટો લાભ મળશે

નવી દિલ્હી તા. ૧૮ : કેન્દ્ર સરકારે એવા દરેક કર્મચારીઓને જુની પેન્શન યોજનાના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે. જેની નિયુકિત એક જાન્યુઆરી-૨૦૦૪થી પહેલા થઇ ગઇ હતી પરંતુ તે કોઇ કારણથી આ સમયગાળામાં જોઇન કરી શકયા નથી. આ નિર્ણયથી વિવિધ વિભાગોમાં સેવારત મોટી સંખ્યામાં કર્મચારીઓને લાભ મળશે.

કેન્દ્ર દ્વારા સોમવારે આપેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૦૩ સુધી નિયુકિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જે કર્મચારી કોઇ પ્રશાસનિક કારણે ૧ જાન્યુ. ૨૦૦૪ સુધી જોઇન કરી શકયા નથી તેને સીસીએસ પેન્શન યોજના ૧૯૭૨ હેઠળ જુની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવાનો મોકો મળશે.

કર્મચારી વધુ પડતા ૩૧ મે ૨૦૨૦ સુધી આ વિકલ્પની પસંદગી કરી શકે છે. કેન્દ્રએ દરેક વિભાગોને કહ્યું છે કે તેઓ આ આદેશ પ્રકાશિત કરે જેનાથી યોગ્ય કર્મચારી તેનો લાભ લઇ શકે. કેન્દ્રના દરેક વિભાગોમાં આ પ્રકારના કર્મચારી કામ કરી રહ્યા છે. જેની નિયુકિતનો આદેશ ૩૧ ડિસેમ્બર ૨૦૦૩ સુધીમાં જાહેર થઇ ગયો હતો પરંતુ આ સમયગાળામાં જોઇન કરી શકયા નહોતા. તેમાં કર્મચારીઓ કોઇ દોષ નહોતો. આવા કર્મચારીઓના મોટી સંખ્યામાં પ્રત્યાવેદન સરકારની સમક્ષ વિચારાધીન હતા.

(10:59 am IST)